કોલંબો, તા. 26 : પોતાના સ્પિનરોના સંગીન દેખાવથી
પાછલી મેચમાં શ્રીલંકા સામે મોટી જીત મેળવનાર ન્યૂઝીલેન્ડ ટીમની નજર હવે સેમિફાઇનલની
ટિકિટ બૂક કરવા પર છે. કિવીઝ ટીમ હવે શુક્રવારે કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડની મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સારો
દેખાવ કરી સેમિ ફાઇનલની જગ્યા સુરક્ષિત કરવા માગશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમે તેની પહેલી
બે મેચ જીતી સેમિફાઇનલની સીટ બૂક કરી લીધી છે. તેના માટે પણ આ મેચ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સુપર-8 રાઉન્ડના ગ્રુપ-બેમાંથી ટોચમાં કઈ ટીમ રહેશે તે આ મેચ પરથી
નક્કી થશે. શ્રીલંકા સામેની 61 રનની જીતથી
કિવીઝ ટીમ સેમિફાઇનલની નજીક પહોંચી ગઈ છે કારણ કે તેની નેટ રન રેટ પણ પાકિસ્તાનથી સારી
છે. શ્રીલંકા ટીમ તો વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ચૂકી છે. કિવીઝ ટીમે ધ્યાન એ રાખવાનું રહેશે
કે ઇંગ્લેન્ડ સામે હાર મળે તો તેનું અંતર ઓછું રાખવું પડશે. હાલ કિવીઝ ટીમના ખાતામાં
3 પોઇન્ટ છે અને નેટ રન રેટ પ્લસ 3.0પ0 છે. આ સામે પાકિસ્તાનના ખાતામાં બે મેચ
પછી 1 અંક છે અને તેની રનરેટ માઇનસ 0.461 છે. પાક. ટીમની દુઆ એ હશે કે
ન્યૂઝીલેન્ડ ટીમને ઇંગ્લેન્ડ સામે કારમી હાર મળે. આ મેચમાં કિવીઝ બોલર્સ અને ઇંગ્લેન્ડ
બેટર્સ વચ્ચે સારી ટક્કર જોવા મળી શકે છે. કોલંબોની ધીમી પીચ પર પ્રથમ દાવ લેનાર ટીમ
170 આસપાસના સ્કોર સુધી પહોંચવાની
કોશિશ કરશે.