ભુજ, તા. 26 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને અદાણી
સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે સહભાગીદારી માટે યોજાયેલા સમારોહમાં
એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કચ્છ પ્રદેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભવિષ્યલક્ષી
શિક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રોજેક્ટમાં ઊંડો રસ દાખવ્યો
હતો. તેમણે એમઓયુની વિવિધ જોગવાઈઓ અંગે તટસ્થ અને દૃષ્ટિપૂર્ણ પ્રશ્નો પૂછી વિગતો મેળવી
હતી. આ પહેલને કચ્છના યુવાનો માટે પરિવર્તનકારી ગણાવી હતી. આ `સેન્ટર ઓફ એક્સલન્સ' દ્વારા રોજગાર સર્જન, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને નવીન વિચારધારાનો વિકાસ થશે, જેનો લાંબા ગાળે સમગ્ર કચ્છને લાભ મળશે તેમ જણાવ્યું હતું. એમઓયુ પર અદાણી
સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સીઇઓ રોબિન ભૌમિક તથા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન
પટેલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ યુનિવર્સિટીમાં સ્થાપિત થનાર
સીઓઇ અંતર્ગત મુખ્ય ક્ષેત્રોમાં સોલાર અને વિન્ડ એનર્જી, ગ્રીન
હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક
વ્હીકલ સીઇઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીડ ઇન્ટિગ્રેશન ક્ષેત્રમાં વિશ્વસ્તરીય સ્માર્ટ
ક્લાસરૂમ્સ, રિન્યૂએબલ એનર્જી લેબ્સ અને અદ્યતન સિમ્યુલેશન સેન્ટર્સ
સુવિધાઓ તેમજ ઉદ્યોગ જગતની જરૂરિયાત મુજબનો અભ્યાસક્રમ, `ટ્રેન ધ ટ્રેનર' પ્રોગ્રામ અને ગેસ્ટ ફેકલ્ટી તરીકે ઉદ્યોગ નિષ્ણાતોનો
સહયોગ સાથે તાલીમ બાદ સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ સાથેના કો-બ્રાન્ડેડ પ્રમાણપત્રો અપાશે
જે વિદ્યાર્થીઓની વૈશ્વિક રોજગાર ક્ષમતા વધારશે. શ્રી ભૌમિકએ જણાવ્યું હતું કે,
આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ નહીં પણ બજારલક્ષી પ્રેક્ટિકલ
કૌશલ્ય પ્રાપ્ત થશે. જ્યારે કુલપતિ ડો. મોહન પટેલએ કહ્યું કે, યુનિવર્સિટી આ પ્રોજેક્ટને શૈક્ષણિક
શ્રેષ્ઠતા સાથે આગળ ધપાવશે અને રિન્યૂએબલ એનર્જી તથા ક્લાઇમેટ રિઝિલિયન્સ જેવા વિષયોમાં
`એપ્લાઇડ રિસર્ચ'ને વેગ આપશે. તેમણે ગુજરાતભરના વિદ્યાર્થીઓને
આ તકનો લાભ લેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં
યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના
સભ્યો, વિવિધ ફેકલ્ટીના ડીન, વિભાગાધ્યક્ષો
તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન
ડો. શીતલ બાટી અને આભારવિધિ ડો. અનિલ ગોર દ્વારા કરાઇ હતી.