ભુજ, તા. 26 : કચ્છી ભાષાનાં જતન-સંવર્ધનમાં
કચ્છમિત્રનું વિશેષ યોગદાન રહ્યું છે. 50થી વધુ વર્ષથી ચાલી રહેલી `િધલજી ગાલ્યું' કોલમનો વિશાળ કચ્છી વાચક વર્ગ જ દર્શાવે છે કે, ભાષક
જ ભાષાને જીવતી રાખી શકે છે. સર્જક કરતાં ભાષકનું ભાષાના વિકાસમાં બહુ મોટું યોગદાન
રહ્યું છે. આજે ભુજ ખાતે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્રના સૌપ્રથમ પ્રકાશન કચ્છી ભાષાના
પુસ્તક `વાંચ વિચ્ જોત્'નું વિમોચન કરતાં વિવિધ વક્તાઓએ આ મુજબના સૂર
વ્યક્ત કર્યા હતા. શહેરના કે.ડી.સી.સી. બેંકના મધ્યસ્થ ખંડમાં વિશાળ સાહિત્યરસિકોની
હાજરીમાં ફાગણ મહિનાની સોહામણી સાંજે મૂળ કચ્છના સાડાઉના વતની અને મુંબઈ રહેતા કચ્છી કવયિત્રી મનીષાબેન વીરાએ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મૂળ હિન્દી કાવ્યસંગ્રહ `આઓ ફિર સે દિયા જલાયે'ને કચ્છી ભાષાના માધુર્યમાં ઢાળીને કચ્છી કાવ્યસંગ્રહ
`વાંચ વિચ્ જોત'નું મહાનુભાવોના હાથે કચ્છના કવિવર દુલેરાય કારાણીના
જન્મદિન અને વિશ્વ કચ્છી ભાષા દિવસના ઉપલક્ષમાં વિમોચન કરાયું હતું. - કચ્છી ભાષા માટે સોનેરી દિવસો
: આ અવસરે સમારંભના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત
રહેલા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલે કચ્છમિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ
દ્વારા કચ્છી કાવ્યસંગ્રહનું પ્રકાશન કરી ભાષાને સાચવવાના બહુ મોટા કાર્યને આવકાર આપતાં
આવનારા દિવસો કચ્છી ભાષા માટે સોનેરી સવાર લાવતા બનશે એવો આશાવાદ વ્યક્ત કરી જણાવ્યું
હતું કે, ભારત સરકરની નવી શિક્ષણનીતિમાં સ્થાનિક ભાષાને
મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેનો લાભ કચ્છી ભાષાનાં જતન અને સંવર્ધનની સાથે વિકાસ
માટે લેવા કચ્છ યુનિવર્સિટી બનતા બધા પ્રયાસો કરશે. - કચ્છ યુનિ. આકર્ષણનું કેન્દ્ર
: ડો. મોહનભાઇએ કચ્છ યુનિવર્સિટી માત્ર શિક્ષણનું
કેન્દ્ર ન બની રહેતાં આવનારા સમયમાં પ્રત્યેક કચ્છી માટે આકર્ષણનું કેન્દ્ર બને એ માટે
ધરાનારા વિવિધ વિકાસકામોની રૂપરેખા આપી હતી. કચ્છી ભાષાના વિકાસ માટે યુનિવર્સિટીના
સહયોગની ખાતરી પુન: દોહરાવતાં એમણે ભાષાના વિકાસ માટે યુવા પેઢીને જાગૃત કરવા પર ભાર
મૂક્યો હતો. એમ નહીં થાય તો ભાષા-સંસ્કૃતિને લુપ્ત થતાં નહીં બચાવી શકાય તેવો ભય પણ
તેમણે દર્શાવ્યો હતો. - પ્રયાસો બિરદાવાયા
: અતિથિવિશેષ સ્થાનેથી કચ્છી સર્જક પદ્મશ્રી
નારાયણ જોશી `કારાયલ'
કચ્છી ભાષાના વિકાસ માટે કચ્છમિત્ર સહિતના માધ્યમોના પ્રયત્નોને આવકારતાં
મુંબઇની નવી યુવા પેઢી કચ્છી સાહિત્ય પ્રત્યે રસ લેતી બની છે અને પ્રકાશિત કચ્છી કાવ્યસંગ્રહના
કવયિત્રી મનીષાબહેન તેની ફળશ્રુતિ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નારાયણભાઇએ સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ-કચ્છમિત્રના આ પ્રયાસને બિરદાવતાં કચ્છમિત્ર દર વર્ષે આવું સુંદર પ્રકાશન કાર્ય
કરે તો નવા સર્જકોને પ્રેરણા મળશે એવી આશા વ્યક્ત કરતાં એમણે મનીષાબહેને કાવ્યસંગ્રહમાં
નવા શબ્દોની કરેલી પસંદગી આવકારી હતી. - કચ્છી ભાષા માટે પ્રતિબદ્ધતા : કચ્છમિત્રના
તંત્રી દીપકભાઇ માંકડે કચ્છમિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ કચ્છી ભાષાના વિકાસ-સંવર્ધન
માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી આ માટે આ ટ્રસ્ટના યુવાન તરવૈયા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ
મામણિયાના અભિગમને રજૂ કરતાં માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં
કચ્છી વસે છે ત્યાં ગુજરાતી અને કચ્છી જીવંત રહે તેવા એમના પ્રયત્નોની વિગતે વાત કરી
હતી અને ઉમેર્યું કે, અન્ય ભાષાના
પુસ્તકોનો કચ્છીમાં અનુવાદ એ કચ્છી ભાષા માટે સારા દિવસોની શાખ પૂરે છે. આરંભમાં જાણીતા
કચ્છી સર્જક રમેશ ભટ્ટ `રશ્મિ'એ `વાંચ વિચ્ જોત્'નો પરિચય કરાવતાં પુસ્તકમાં સમાવેશ રચનાઓનું પઠન કરી સર્જકે સાચા ભાવાનુવાદ
માટે લીધેલી મહેનતને બિરદાવી હતી. કાવ્યસંગ્રહના અનુવાદક કચ્છી યુવા સર્જક મનીષાબહેન
અજયભાઇ વીરાએ પુસ્તકના પ્રકાશન બદલ કચ્છમિત્ર-સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી
વ્યક્ત કરી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારી પ્રકાશનોને અખબારી જગતના શહેનશાહ અને સદાચાર
પત્રો લેખાવ્યા હતા. તેમણે મહામનીષી અને મોટા ગજાના રાજપુરુષના કાવ્યસંગ્રહનું ભાષાંતર
પોતાના ભાગે આવ્યું તેને પોતાનું ગૌરવ લેખાવતાં સહયોગીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત
કરી હતી. કચ્છી-ગુજરાતી સર્જક મદનકુમાર અંજારિયા `ખ્વાબ'એ પ્રાસંગિક પ્રવચનમાં વિશ્વ કચ્છી ભાષા દિવસની શુભકામના પાઠવી સર્જકના કાર્યને
બિરદાવ્યું હતું. વીઆરટીઆઇના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ આવકાર પ્રવચન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હાથે આરંભમાં દીપ પ્રાગટય
કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડયા,
આસિ. મેનેજર હુસેન વેજલાણી મહેમાનોના સ્વાગતમાં સામેલ થયા હતા. કાર્યક્રમનું
સંચાલન પૂર્વી ગોસ્વામીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ કચ્છમિત્રના
વ્યવસ્થાપક મુકેશભાઇ ધોળકિયાએ કરી હતી.આ પ્રસંગે
ગૌતમ જોશી, કૃષ્ણકાંત ભાટીઆ, અરવિંદભાઇ
જોશી, કમલભાઇ ભટ્ટ, જયંતીભાઇ જોશી `શબાબ',
ઝવેરીલાલ સોનેજી, અખિલેશ અંતાણી, મોહન જોબનપુત્રા, શાંતિલાલ વરૂ, લાલજી બડગા `સનમ', હરેશ દરજી `કસભી',
ચંદુલાલ ગોર, અરવિંદભાઇ રાજગોર, શંકર જોશી સહિતના સર્જકો અને રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.