• બુધવાર, 22 મે, 2024

તેલ પાઈપલાઇનોની સુરક્ષામાં ચૂક કંડલા સંકુલ માટે જોખમી

કંડલા સંકુલમાં આગના ઉપરાઉપરી બનાવોએ ફરી એકવાર આ સંવેદનશીલ ક્ષેત્રની સુરક્ષાના મુદ્દે ચિંતા જગાવી છે. કંડલાથી ખારી રોહર જતી હિન્દુસ્તાન પેટ્રોકેમિકલ્સ લિ.ની લીક પાઇપલાઈનમાં વિકરાળ આગ લાગી, જે કલાકોની જહેમત બાદ કાબૂમાં કરી લેવાઇ. બે દિવસ બાદ કંડલા સેઝની એક કંપનીમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો. આવી ઘટનાઓએ હજુ સુધી ભયંકર સ્વરૂપ ધારણ નથી કર્યું. હા, ચાર વર્ષ પહેલાં ખાનગી કંપનીનાં મેલાસીસ ભરેલાં ટેન્ક ફાર્મમાં મિથેનોલ ભરેલા ટાંકામાં આગથી ચાર માનવ જિંદગી હોમાઇ ગઇ હતી. ઉત્પાદન કે પરિવહનનાં મોટા પાયે કામ ચાલતાં હોય, ત્યાં અકસ્માતની સંભાવના ઊભી જ હોય છે. યાંત્રિક કારણસર કે ક્યારેક કોઇ ખામી ગંભીર દુર્ઘટના નોતરતી હોય છે, પરંતુ આવા બનાવોની પાછળ ચોરી કે ભાંગફોડ કારણભૂત બનતી હોય, તો એ નિષ્કાળજી કે?ફરજચૂક અસ્વીકાર્ય બની રહે છે. કંડલા વિસ્તારમાં પેટ્રોલ - ડિઝલ અને કેમિકલની વિશાળ પાઈપલાઇનોનું નેટવર્ક બિછાવાયેલું છે. વર્ષો જૂની આ લાઈનમાં કાણાં પાડીને કિંમતી ઇંધણની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે. આ જાતની તફડંચી ખતરનાક બની શકે છે. પાઈપમાં કાણાં પાડયા પછી ડટ્ટી ભરાવી દેવાય છે. એક સમયે પાઈપલાઇનોની સુરક્ષાની ખાસ કાળજી લેવાતી. સી.આઈ.એસ.એફ.ના જવાનો બંદૂક સાથે પેટ્રોલિંગ કરતા. આશ્ચર્યજનક રીતે કેન્દ્રીય એજન્સીને હટાવી લીધા પછી આખી લાઈનોની સુરક્ષા ખાનગી હાથોમાં મૂકી દેવાઇ છે. આ વિશે 24મી મેના અંકમાં પ્રસિદ્ધ ખાસ અહેવાલમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. ટૂંકમાં, દીનદયાળ મહાબંદર આસપાસ કેમિકલ - પેટ્રોલિયમ સંગ્રહના ટાંકાઓ તથા તેને મહાબંદરની ઓઈલ જેટીઓ સાથે જોડતી પાઈપલાઇનોનું જાળું સુરક્ષાના અભાવે સમગ્ર સંકુલ માટે જોખમી હોવાનો અંગૂલિનિર્દેશ વારંવાર બનતી આગની નાની - મોટી ઘટનાઓ કરે છે. ભૂતકાળમાં એક ટેન્ક ફાર્મમાં આગનો બનાવ બન્યો ત્યારે પ્રશાસને ગંભીરતાથી લઇને પૂર્વ કચ્છમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મંજૂર કર્યું. તેમાં અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવાયાં છે, પરંતુ એ બધું આગ-અકસ્માતના બનાવ બને ત્યારે હરકતમાં આવે. આગ કે અકસ્માતના બનાવો બનતા અટકે તેની તકેદારીની દિશામાં હજુ કોઇ પગલાં લેવાયાં નથી. જાણકારો કહે છે કે, ઓઇલ પાઇપલાઇનની સંભાળ, સ્વચ્છતા, સમારકામ જેવા પાસાંઓ ચીવટથી હાથ પર લેવાવાં જોઇએ. કંડલા મહાબંદરથી ચોતરફ ફેલાયેલી આ તેલ-પેટ્રોલિયમ વહન કરતી લાઇનો ઉપર પેટ્રોલિંગ, સીસી ટીવી, લાઇનોની યોગ્ય સફાઇ જેવા તમામ મુદ્દા હજુ માત્ર?ચર્ચામાં જ છે. પાઇપલાઇનોમાં કાણાં પાડીને કરાતી તેલ ચોરી મુદ્દે ખુદ તેલ કંપનીઓ પણ ગંભીર જણાતી નથી. મોટાભાગના કિસ્સામાં પોલીસ ફરિયાદ ટાળવામાં આવતી  હોય છે.ટેન્ક ફાર્મ-ટાંકાઓ તથા લાઇનોની સુરક્ષાને લઇને કચ્છ જિલ્લા પ્રશાસન, દીનદયાળ પ્રશાસન, બંદર વપરાશકારો સૌએ ગંભીર બનવું જરૂરી જણાય છે. ટર્મિનલની અંદર તો સુરક્ષાની વ્યવસ્થા છે, પરંતુ બહાર પથરાયેલી લાઇનો પરત્વે જોઇએ તેવી ગંભીરતા નહીં રખાય ત્યાં સુધી આવા માનવસર્જિત બનાવો અને દુર્ઘટનાને નિવારી નહીં શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang