• સોમવાર, 29 એપ્રિલ, 2024

જસ્ટિન ટ્રુડોની બાલિશતા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજકાલ પોતાના પક્ષમાં માહોલ ખડો કરવાની લાહ્યમાં પોતાના દેશને નુકસાન થાય તેવું વલણ લેવા માટે વગોવાઇ રહ્યા છે. કોઇપણ દેશ તેના લઘુમતીઓના અધિકાર માટે વચનબદ્ધતા બતાવે તેને આવકાર્ય ગણી શકાય, પણ આમ કરતી વેળાએ આતંકવાદની હત્યા માટે કોઇપણ પૂરાવા વગર બીજા કોઇ દેશને જવાબદાર ગણી શાકાય નહીં. ટ્રુડો વાતને વિસરીને ભારતની સામે સતત બખાળા કાઢતા રહે છે. થોડા સમય અગાઉ ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપાસિંહ નિજ્જરની હત્યા માટે ભારતની સામે આરોપ મૂકનાર ટ્રુડો વધુ એક વખત બખાળા કાઢયા છે. ગયા સપ્તાહે એક સમિતિની સામે જુબાની આપતી વેળાએ ટ્રુડોએ ફરીવાર હત્યાનો મુદ્દો ઊઠાવીને ભારતની સામે પરોક્ષ રીતે આંગળી ચિંધી છે. મુદ્દો ઊઠાવીને કેનેડાના વડાપ્રધાને પોતાની વાહવાહી કરાવવા માટે કહ્યંy કે, તેમની સરકાર દેશના તમામ લોકોના અધિકારો અને સ્વતંત્રતા માટે કટિબદ્ધ છે. સ્વાભાવિક છે કે, કોઇપણ દેશ માટે તેના નાગરિકોના હિત અને હક્કના રક્ષણ ફરજનો ભાગ હોય છે, પણ આમ કરવા જતાં તે અન્ય કોઇ દેશોની વિરુદ્ધ કામ કરતા તત્ત્વોને ટેકો આપી શકે નહીં. વાત કેનેડા સરકાર અને તેના વડાપ્રધાન ટ્રુડો સમજી શકે તેમ નથી. ટ્રુડો વૈશ્વિક રાજદ્વારી જવાબદારીઓને કોરણે મુકીને આમ કરવા માગે છે. પણ તેઓ વિસરી જાય છે કે, તેમના પાયા વગરના આરોપોથી અન્ય દેશની અખંડિતતા જોખમાતી હોય છે. નિજ્જરની હત્યાના 10 મહિના થયા તો પણ થોડા-થોડા સમયે ટ્રુડો અથવા તેમની સરકારના કોઇ મંત્રી તે મામલે ભારતની સામે પરોક્ષ આરોમ મૂકવાની કોઇ તક જતી કરતા નથી. બનાવ બન્યો ત્યારે પણ ટ્રુડોએ ભારતની સામે આંગળી ચિંધી હતી, ત્યારે પણ ભારતે તેનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો હતો. સામાન્ય રીતે બીજો દેશ ઇન્કાર કરે અને તેની સામેના કોઇ નક્કર પૂરવા હોય ત્યારે આવા પ્રકરણને પૂર્ણવિરામ લાગી જાય છે, પણ ટ્રુડો વસ્તવિક્તા અને ઔચિત્યને સમજી શકતા નથી, તેમણે ફરીવાર પોતાના આરોપનો પુનરોચ્ચાર કર્યો છે. સાથોસાથ આરોપના સંદર્ભમાં પૂરાવા આપવાની જરૂરત તેમને હજી જણાઇ નથી, તેઓ મામલે વિફળ રહ્યા છે. ખરેખર તો કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળતી વેળાએ ભારત જેવા દેશની સામે નિજ્જર હત્યામાં હાથ હોવાનો આરોપ મુકનારા ટ્રુડોએ તેમના આવા વલણની વૈશ્વિકસ્તરે પડનારી અસરો સામે આંખ આડા કાન કર્યા છે. ખરેખર તો કેનેડાને આખા પ્રકરણને લીધે વૈશ્વિક રીતે ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઇ રહી છે. સમજાતું નથી કે, ભારતની સામે મોરચો માંડીને ઘર આંગણે શીખ મતદારોની લાગણી જીતવાથી વધુ ટ્રુડોને ફાયદો શો થશે ? વળી, તેમની બાલિશ હરકતથી ભારતને ખુલાસા કરવા પડે અને છબી ખરડાય તેનું વળતર કેનેડા સરકાર કઇ રીતે વાળશે, તે સવાલના જવાબ પણ ટ્રુડો પાસેથી લેવાવા જોઇએ, એમાં કોઇ શંકા જણાતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang