• શનિવાર, 11 મે, 2024

સંજુ-ધ્રુવની જોડી જામી, રાજસ્થાનની રોયલ જીત

લખનઉ, તા. 27 : છેલ્લા દડા સુધી ક્રિઝ પર અણનમ ટકી રહેલા સુકાની સંજુ સેમસન (71) અને ધ્રુવ જુરેલ (52)ની અણનમ અર્ધસદીના બળે રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે શાનદાર જીત મેળવી હતી. લખનઉ સુપર જાયન્ટસે આપેલું 197 રનનું લક્ષ્ય રાજસ્થાને એક ઓવર બાકી હતી, ત્યારે આસાનીથી આંબી લીધું હતું. સંજુએ જવાબદારીભરી કેપ્ટન ઈનિંગ્સ રમતાં માત્ર 33 દડામાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ઝંઝાવતી 71 રન ઝૂડી દીધા હતા. રમતના છેલ્લા દડે વિજયી છગ્ગો સેમસને ફટકાર્યો હતો. સામો છેડો સાચવતાં જુરેલે 34 દડામાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા સાથે 52 રન કર્યા હતા. અડધો અડધ દાવ સુધી ક્રિઝ પર જામી ગયેલી સંજુ-ધ્રુવની જોડીએ 64 બોલમાં 121 રનની પ્રભાવશાળી ભાગીદારી નોંધાવી, મુકાબલો એકતરફી બનાવી દીધો હતો. જોશ બટલરે પણ 18 દડામાં ચાર ચોગ્ગા, એક છગ્ગા સાથે ગતિભેર 34 રનનો ઉપયોગી ઉમેરો કર્યો હતો. અગાઉ પહેલી બે ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલ અને દીપક હુડ્ડાએ લખનઉની ઇનિંગ સંભાળી હતી અને ટીમનો સ્કોર 196 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલે 48 બોલમાં 76 અને દીપક હુડ્ડાએ 31 બોલમાં 50 રન કર્યા હતા. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમને પહેલી બે ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. જેમાં ડીકોક 8 રને અને સ્ટોયનિસ શૂન્યમાં પેવેલિયન પરત ફરી ગયા હતા. બાદમાં કેએલ રાહુલ અને દીપક હુડ્ડાએ સાવધાનીપૂર્વક સ્કોર આગળ ધપાવ્યો હતો. બન્ને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. રાહુલ 48 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 76 રન કરીને આઉટ થયો હતો, જ્યારે દીપક હુડ્ડા 31 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 50 રને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં આયુશ બદોની અને કૃણાલ પંડયાએ ઇનિંગ આગળ વધારી હતી. બદોની 18 રને અને કૃણાલ પંડયા 15 રને નોટઆઉટ રહ્યા હતા અને લખનઉનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટનાં નુકસાને 196 રન સુધી પહોંચ્યો હતો. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ લીધી હતી જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang