• શનિવાર, 11 મે, 2024

મુંબઇની લડત બાદ દિલ્હીની 10 રને જીત

નવી દિલ્હી, તા. 27 : મુંબઈ સામે દિલ્હીએ દમદાર દેખાવ સાથે 10 રને જીત મેળવી હતી અને મુંબઇ માટે આગેકૂચની રાહ મુશ્કેલ બની હતી. ડી.સી. તોફાની બેટિંગની મદદથી 257 રનનો તોતિંગ સ્કોર કર્યો હતો, જેમાં ઓપનર જેક ફ્રેઝરે માત્ર 27 બોલમાં 84 રન કર્યા હતા. જ્યારે શાઈ  હોપે 17 બોલમાં 41 અને સ્ટબે 25 બોલમાં 48 રન કરીને મુંબઈના બોલરોને હેરાન કરી દીધા હતા. જીત માટે 258 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈના ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્મા નિષ્ફળ ગયા હતા. બાદમાં સૂર્યકુમાર યાદવ પણ ઝડપી બેટિંગ કરવાની દોડમાં વિકેટ ગુમાવી બેઠો હતો. દરમિયાન તિલક વર્મા, હાર્દિક અને ટીમ ડેવિડે લડત આપી હતી અને છેલ્લી ઓવરમાં 25 રનની જરૂર હતી. 20મી ઓવરના પહેલાં બોલે તિલક વર્મા (32 દડામાં 63) રને આઉટ થયો હતો અને મુંબઈની જીતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને દિલ્હીએ 10 રને જીત મેળવી હતી. મુંબઈએ ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જો કે, નિર્ણય નિષ્ફળ સાબિત થયો હતો. દિલ્હીના ઓપનર જેક ફ્રેઝરે પહેલી ઓવરથી મુંબઈના બોલરોને દિવસે તારા બતાવવાની શરૂઆત કરી દીધી હતી અને બીજો છેડો અભિષેક પોરેલે સંભાળ્યો હતો. જેના પરિણામે દિલ્હીએ સાત ઓવરમાં 100થી ઉપરનો સ્કોર બનાવ્યો હતો. જેક ફ્રેઝર 27 બોલમાં 11 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 84 રન કરીને આઉટ થયો હતો. જ્યારે પોરલ 36 રન કરીને આઉટ થયો હતો. બાદમાં શાઈ હોપે 17 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ટ્રીસ્ટન સ્ટબે 25 બોલમાં ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન કરતાં દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટનાં નુકસાને 257 રન કર્યા હતા. જીત માટે 258 રનનો પીછો કરતા મુંબઈની ટીમ ઉપર દબાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેમાં પણ ઈશાન કિશન, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થયા હતા, જેના પરિણામે 65 રનની અંદર મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં તિલક વર્મા અને હાર્દિકે બાજી સંભાળી હતી. હાર્દિક 24 બોલમાં 46 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 136 રન હતો. ઉપરાંત નેહલ વાઢેરા પણ ચાર રને આઉટ થયો હતો. ત્યારબાદ તિલકનો સાથ ટીમ ડેવિડે આપ્યો હતો. જો કે, 18મી ઓવરમાં  ટીમ ડેવિડ 17 દડામાં 37 રને આઉટ થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang