• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મોદી સાથે સંવિધાન પર ચર્ચા કરવા રાહુલ તૈયાર છે ?

દિલ્હી દરબાર : ચૂંટણીના રાજકારણમાં હવે સંવિધાન વિવાદના કેન્દ્રમાં છે. વિપક્ષી નેતાઓના હાથમાં કોઈ અસરકારક મુદ્દા નહીં હોવાથી હવે મોદી ત્રીજી વખત સત્તા ઉપર આવશે તો સંવિધાન ખતમ કરશે! રાહુલ ગાંધી કહે છે : `આપણું સંવિધાન સામાન્ય પુસ્તક નથી, દેશના આત્મા ઉપર પ્રહાર થઈ રહ્યા છે. વડા પ્રધાન અને આરએસએસ આત્મા અને અવાજ ઉપર સતત પ્રહાર કરે છે.' તામિલનાડુના કોઇમ્બતુરમાં પ્રચારસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમિળલોકોની ભાષા, ઇતિહાસ અને જનજીવન ઉપર પ્રહાર થાય છે - સંવિધાને બક્ષેલા રક્ષણ માટે મોદીને હટાવવાની જરૂર છે. ઈડી અને સીબીઆઈનું શત્ર વાપરવામાં આવે છે પણ હવે આંધી આવી રહી છે જે મોદીને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેશે... તામિલનાડુમાં ડીએમકે મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન સાથે બેસીને રાહુલ ગાંધીએ તમિળ લોકો અને સંસ્કૃતિને બચાવવાની વાત કરી. એમના ભાષણમાં `ઉત્તર-દક્ષિણ'ની ભેદરેખાનો સૂર છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ પણ હિન્દી ભાષી અને હિન્દુવાદી ઉપર પ્રહાર કરીને દક્ષિણને ઉશ્કેરી રહ્યા છે કે ભાષા - સંસ્કૃતિ અને ઇતિહાસ જાણે જોખમમાં હોય એવી હવા ઊભી કરી રહ્યા છે! તામિલનાડુને ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે જોડવા મોદીએ વ્યવસ્થિત પ્રયાસ 2019થી શરૂ કર્યા. ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની શિખર પરિષદ માટે એમણે મામલ્લાપુરમની પસંદગી કરી અને તે પછી અવારનવાર તામિલનાડુની મુલાકાત વખતે વિશ્વની સૌથી પુરાતન ભાષા તમિલ અને સાહિત્ય વિષે બોલીને તમિલોને ચકિત કરી દીધા! કાશી તમિલ સંગમને સૌરાષ્ટ્રના સોમનાથ તલિમ સંગમ સાથે જોડયા - સેતુ બનાવ્યો. નૂતન સંસદ ભવનના શુભારંભે દક્ષિણના પ્રખર પંડિતો અને સેન્ગોલ (રાજદંડ) લોકસભામાં સ્પીકરના સિંહાસન પાસે સ્થાપીને સંસદનું ગૌરવ વધારવામાં તામિલનાડુના યોગદાનને મહત્ત્વ આપ્યું. મોદીએ જવાબ આપ્યો છે કે સંવિધાન ખતમ કરવાની, થવાની શક્યતા નથી - માત્ર કુપ્રચાર થાય છે! આજે સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર પણ (એમના સર્જન) સંવિધાનને ખતમ કરી શકે નહીં... કૉંગ્રેસે તો બાબા સાહેબને અપાતા ભારત-રત્નમાં પણ અવરોધ ઊભા કર્યા હતા. એનડીએ સરકાર આવ્યા પછી પ્રતિવર્ષ ભારતીય સંવિધાન દિવસ ઊજવીને આપણી નવી, યુવા પેઢીને સંવિધાનનું મહત્ત્વ સમજાવવાની શરૂઆત કરી છે. ભારતનું સંવિધાન અમારા માટે ગીતા, રામાયણ-મહાભારત અને બાઇબલ તથા કુરાન સમાન છે - એમ કહીને મોદીએ નકલી-દંભી સેક્યુલરવાદીઓને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી સંવિધાનના નામે અને બહાને કુપ્રચાર કરી રહ્યા છે પણ એમણે સંવિધાન વાંચ્યું, જાણ્યું છે? સંસદ ભવનની લાઇબ્રેરીમાં રખાયેલી સંવિધાનની મૂળ હસ્તલિખિત પ્રતના દર્શન પણ કર્યા છે? ચૂંટણી પ્રચારમાં મનફાવે તેવા આક્ષેપ અને દાવા થઈ શકે છે. તામિલનાડુમાં અલગતાવાદને હવા આપવાની એમની વૃત્તિ સ્પષ્ટ છે અને તેઓ સંવિધાનના રક્ષક હોય એવી છાપ ઊભી કરવાના પ્રયાસ કરે છે ત્યારે - વડા પ્રધાન મોદી અને વડા પ્રધાનપદના દાવેદાર રાહુલ ગાંધી વચ્ચે ભારતીય સંવિધાન વિષે જાહેરમાં ચર્ચા થવી જોઈએ. ટીવી ઉપર જીવંત પ્રસારણ થાય. રાહુલ ગાંધી તૈયાર છે? વાસ્તવમાં સંવિધાન ઉપર પ્રથમ પ્રહાર તો એમનાં દાદી - ઇન્દિરાજીએ કર્યા હતા. ન્યાયતંત્ર, મીડિયા અને સમગ્ર દેશ બંદીવાન હતો. સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારો એમને માન્ય હતા - લોકસભામાં એકમાત્ર અપક્ષ સભ્ય - ગુજરાતના પુરુષોત્તમ માવળંકર (લોકસભાના પ્રથમ સ્પીકરના સુપુત્ર) ઊભા થઈને ઇન્દિરા ગાંધીને પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ - કમિટેડ જ્યુડિશ્યરી બન્યા. પ્રેસ ઉપર સેન્સરશિપ અને તમામ વિપક્ષી નેતાઓ સંસદને બદલે જેલમાં હતા! તાજેતરમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જાહેરસભામાં કહ્યું કે એમનાં માતાનાં અવસાન વખતે પણ એમને જેલમાંથી બહાર આવવાની પરવાનગી મળી નહોતી. લાલુ યાદવનાં પુત્રી મિસા અત્યારે ચૂંટણી મેદાનમાં છે - એમને ખબર નહીં હોય કે લાલુજી જેલમાં હતા - ઇમર્જન્સીના કાનૂન મેઇન્ટેનન્સ અૉફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ - મિસા - હેઠળ ત્યારે પુત્રીનો જન્મ અને નામકરણની વાત નીકળી ત્યારે જેલ - સહવાસી મુંબઈના રતનસિંહ રાજડાએ `િમસા' નામ સૂચવ્યું હતું! હવે લાલુને ઇમર્જન્સી અને મિસા ક્યાંથી યાદ આવે? આજે જે વિપક્ષી નેતાઓ - કેટલાક અપવાદ સિવાય - મોદી ઉપર આક્ષેપ અને ગાલી ગલોચ વરસાવીને સંવિધાન બચાવવાની વાતો કરે છે - તે બધા ઇન્દિરા ગાંધીની જેલમાં હવા ખાતા હતા અને આજે ગાંધી પરિવારના ચરણસ્પર્શ કરે છે! સત્તા મળવાની આશાએ, ભ્રષ્ટાચારને અભયદાન મળવાની આશાએ. વાત સંવિધાનની થાય છે પણ વિરોધીઓને ભય એક વાતનો છે - એક રાષ્ટ્ર એક ચૂંટણી - મોદીને 400થી વધુ બેઠકો મળે - અને રાજ્યોમાં પણ સત્તા મળે તો ચૂંટણી - લોકશાહીના નામે થતો ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે. મોદી લોકપ્રિય હોવાથી એમના નામે દેશભરમાં બહુમતી મળે. આલા-માલા નેતાઓ ઘરભેગા - અથવા જેલભેગા થઈ જાય! ઇમર્જન્સી વખતે ભારતમાં સંસદીય લોકશાહીના સ્થાને પ્રમુખશાહી લાવવાની હિલચાલ હતી. સમગ્ર દેશના એક માત્ર નેતા - ઇન્દિરા ગાંધી! સત્તા માટે શાહી પરિવાર હતો - પણ ભારતની લોકશાહી અમર છે. મોદી - ઇન્દિરા ગાંધી નથી!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang