• સોમવાર, 29 એપ્રિલ, 2024

પાકિસ્તાન સામે આતંકનો વિકરાળ બનતો પડકાર

આતંકવાદના ઊંડા લોહિયાળ વમળ રચવા માટે દુનિયાભરમાં કુખ્યાત પાકિસ્તાન પોતે હવે તેમાં સપડાયું છે. રોજ નવા નવા આતંકી હુમલાને સહન કરી રહેલાં પાકિસ્તાન માટે હવે આતંકવાદ એક વણઉકેલ અને મુશ્કેલ કોયડો બની રહ્યો છે. બલુચિસ્તાન પ્રાંતમાં ઉપરા ઉપરી બે હુમલા કરીને આતંકીઓએ પાકિસ્તાન સરકારને વધુ એક પડકાર ફેંક્યો છે. સોમવારે બલુચિસ્તાનના તુરબત શહેરમાં નૌકાદળના એક ચાવીરૂપ વિમાનમથકે આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો, તે પછી ખૈબર પખતુન્વામાં ચીની નાગરિકોના એક કાફલાને નિશાન બનાવીને આતંકીઓએ પાંચ ચીની ઇજનેરનાં મોત નિપજાવ્યાં હતાં.  બન્ને હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મિ (બીએલએ) નામના આતંકી સંગઠને સ્વીકારી છે. પાકિસ્તાનમાં ચીની નાગરિકો અને ઠેકાણાઓ પર હુમલાની વાત કાંઇ નવી નથી. બીએલએ ત્યાં એટલું શક્તિશાળી છે કે, તેને જ્યાં મજા આવે ત્યાં તે હુમલા કરે છે અને પાકિસ્તાની લશ્કરને પડકારે છે.બલુચિસ્તાન પ્રાંતમાં લોકોને પાકિસ્તાન સરકારની સામે ભારે નારાજગી છે,  ત્યાંના લોકો સરકાર દ્વારા તેમના હિતો અને જરૂરતો પર ધ્યાન અપાતું હોવાની ગંભીર ફરિયાદો ધરાવે છે, તેની સાથોસાથ પાકિસ્તાનમાં ચીનની વધતી જતી દખલગીરી સામે પણ પ્રાંતમાં ભારે વિરોધ અને રોષ છે, તેમનું કહેવું છે કે, ચીની સરકાર ત્યાં પ્રોજેક્ટના નામે સ્થાનિક સાધનોનો દુરુપયોગ કરે છે. ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરના નામે ચીન પાકિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યંy છે, પણ બલુચિસ્તાનના લોકો ચીન અને તેના પ્રોજેક્ટનો ભારે વિરોધ કરે છે. વિરોધ હવે હુમલાનું સ્વરૂપ લઇ ચૂક્યો છે. અગાઉ પણ ચીની નાગરિકો પર હુમલા થઇ ચૂક્યા છે. ખૈબર પખતુન્વાનો આત્મઘાતી હુમલો આવા હુમલાનો કડીરૂપ છે.  પાકિસ્તાન સરકાર માટે મુશ્કેલી છે કે, તે પ્રોજેક્ટોના નામે ચીન સરકાર પાસેથી ભારે ભંડોળ લઇ ચૂકી છે, હવે તે લોકોના હિત અને વિરોધને ધ્યાને લઇ શકે તેવી સ્થિતિમાં નથી. ચીનના આર્થિક દેવા તળે દબાઇ રહેલું પાકિસ્તાન હવે તેમાંથી છટકી શકે તેમ નથી. ભારતના વિરોધ અને દુશ્મનાવટમાં આગળ રહેવા પાકિસ્તાને ચીનના ખોળે બેસવાનું પસંદ તો કર્યું, પણ હવે તેની પાસે મુક્તિનો કોઇ માર્ગ દેખાતો નથી. લોકોની લાગણીને વટાવતા આતંકી સંગઠનો ચીની લોકોને નિશાન બનાવવા લાગ્યા છે, તો બીજી તરફ ચીન સરકાર પાકિસ્તાન સરકાર પર તેના નાગરિકોની સલામતી માટે સતત દબાણ વધારી રહી છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં મથક ધરાવતા આતંકીઓ હવે પાકિસ્તાન પર સરહદ પારથી હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાને આવા સંગઠનો પર અફઘાન હવાઇ સીમાની અંદર જઇને હવાઇ હુમલા કર્યા છે. આનાથી બન્ને દેશના સંબંધ દુશ્મનાવટના ઉંબરે પહોંચી ગયા છે. આતંકવાદના મામલે હવે પાકિસ્તાન ચોમેરથી ઘેરાઇ ગયું છે. આગ તેને પોતાને ભરખી જાય એવી સ્થિતિ આકાર લઇ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang