પલ્લેકલે, તા. 20 : ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજની
અંતિમ મેચમાં ઓમાન સામે ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે સરળ વિજય થયો હતો. 10પ રનનો વિજય લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ ફકત 9.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
આથી 62 દડા બાકી રહેતા ઓસ્ટ્રેલિયાની
જીત થઇ હતી. એડમ ઝમ્પાની 4 વિકેટ બાદ
કેપ્ટન મિશેલ માર્શે 33 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગા સાથે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડ 32 રને આઉટ થયો હતો. આ બે વચ્ચે
પહેલી વિકેટમાં 49 દડામાં 93 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
જોશ ઇંગ્લીશ 12 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ
ગ્રુપ બીમાં ત્રીજા સ્થાને રહી વિશ્વ કપની સફર સમાપ્ત કરી છે. અગાઉ ઓસ્ટ્રેલિયન કેપ્ટન
મિચેલ માર્શે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. બિન અનુભવી ઓમાન ટીમના બેટર્સ ઓસ્ટ્રેલિયાની
સટીક બોલિંગનો સામનો કરી શકયા ન હતા. આથી ઓમાન ટીમ 16.2 ઓવરમાં ફકત 104 રન કરી ઓલઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર એડમ ઝમ્પાએ 21 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પાર્ટ ટાઇમ સ્પિનર ગ્લેન
મેકસવેલને 13 રનમાં 2 વિકેટ મળી હતી. મીડીયમ પેસર જેવિયર બાર્ટલેટે
પણ 2 વિકેટ લીધી હતી. સ્ટોઇનિસ અને એલિસના ફાળે
1-1 વિકેટ આવી હતી. ઓમાન તરફથી
વસમી અલીએ 33 દડામાં 4 ચોગ્ગા સાથે 32 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી.
કપ્તાન જતિંદર સિંઘે 17, કરણ સોનાવલેએ
12 અને હમ્માદ મિર્ઝાએ 16 રન કર્યાં હતા અને ઇનિંગનો
એકમાત્ર છક્કો ફટકાર્યો હતો. ઓમાનના બાકીના બેટધર બે આંકડે પહોંચી શકયા ન હતા.