એડિલેડ, તા. 8 : ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનું વર્ચસ્વ
જાળવી રાખ્યું છે. મેચના આજે ત્રીજા દિવસે ભોજન પહેલાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 10
વિકેટે સંગીન વિજય થયો હતો. આથી પ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-1ની બરાબરી પર આવી
ગઇ છે. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગ્સમાં 140 રનની નિર્ણાયક ઇનિંગ્સ રમનાર ટ્રેવિસ
હેડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે. મેચના આજે ત્રીજા દિવસે સવારે ટીમ ઇન્ડિયા બીજા
દાવમાં 36.પ ઓવરમાં 17પ રનમાં ઓલઆઉટ થઇ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 19 રનનો મામૂલી વિજય
લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. ભારતે આજે પ વિકેટે 128 રનથી તેનો દાવ આગળ
વધાર્યો હતો અને 47 રનના ઉમેરામાં બાકીની પ વિકેટ ગુમાવી હતી. પંત આજની પહેલી ઓવરમાં
જ સ્ટાર્કનો શિકાર બની 28 રને આઉટ થયો હતો. ભારતના પૂંછડિયા ખેલાડી કાંગારુ કપ્તાન
કમિન્સ સામે ટકી શકયા ન હતા. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ બીજા દાવમાં પણ ભારત તરફથી
42 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન કમિન્સે પ, બોલેંડે 3
અને સ્ટાર્કે 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીત માટે 19 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
જે તેણે ફકત 3.2 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. આથી તેનો 10 વિકેટે સરળ વિજય
થયો હતો. ભારતીય ટીમ પહેલા દાવમાં 180 રને ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 337 રન કરીને
1પ7 રનની નિર્ણાયક સરસાઇ મેળવી હતી.