ભુજ, તા.12 : ડ્રાઇવિંગ લાઈસન્સ માટેની પરીક્ષા
હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા લેવામાં આવે તે દિવસો ભુજ આરટીઓમાં
દૂર નથી કેમકે આ કચેરીમાં છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાઇસન્સ ટ્રેક પરીક્ષા એઆઈ દ્વારા
લેવાનું પરિક્ષણ ચાલુ થયું છે અને હવે ટૂંકા સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા એઆઇના
માધ્યમથી લેવાનું શરૂ થઈ જશે. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળો નો પણ અંત આવશે
તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આરટીઓ ઇસ્પેકટરો દ્વારા કોમ્પ્યુટર ની મદદથી
ડ્રાઇવિંગ અંગેની પરીક્ષા, ટ્રેક પર લાંબા
સમયથી લેવાતી હતી જો કે તેમાં અમુક ખાસ તત્વો ગેરરીતિ આચારવામાં સફળ રહેતા હોવાની ફરિયાદો
ઉઠી હતી અને કમિશનર કક્ષાએથી ઘણી વખત તપાસ પણ આવી ચૂકેલી છે. ટ્રેક પર લેવાતી પરીક્ષા
પારદર્શી બને અને ગેરરીતિ અટકે તેવા હેતુસર રાજ્યભરની આરટીઓ કચેરીમાં એ આઈ આધારિત પરીક્ષા
લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો હતો. આ જ ક્રમમાં કચ્છની ભુજ તથા અંજાર આરટીઓ કચેરીમાં
પણ એઆઇ આધારિત પરીક્ષાનું માળખું ઉભું કરી દેવાયું હતુ. જોકે ગમે તે કારણસર તે ઢીલમાં
પડ્યું હતું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પરીક્ષા લેવાનું કાર્ય ઠેલાતું જતું
હતું હવે ભુજમાં આ પરીક્ષા અંગેનું પરીક્ષણ શરૂ થઈ જતા અહીં એ આઈ આધારિત ટ્રેક પરીક્ષા
ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે તેમ જાણવા મળ્યું છે.