• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

પ્રવાસન ક્ષેત્રે વિકસતા માંડવીને માળખાંકીય સુવિધાની ઝંખના

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 12 : એક વેળાએ કચ્છ પ્રદેશની આન-બાન-શાનની ગૌરવરૂપ કલગી શોભાવતાં બંદરીય શહેરના પ્રાદુર્ભાવને 446મી જન્મજયંતી નશીબ થઇ છે ત્યારે  પોણોસો વર્ષોથી પ્રાકૃતિક અને કથિત શાસકીય થપાટો વધુ એકવાર તાજી થઇ છે. દરિયાઇ યાતાયાતની આડે એરુ આભડી ગયો છે, તેના તાર્કિક ઉપચારાત્મક આયોજનો જનતા ઝંખી રહી છે. રેલવે-જળ અને હવાઇ માર્ગે દિશાઓ ઉઘડે તો `િરવર્સ માઇગેશન' સંભવ બની શકે તેવું અભ્યાસીઓ કહી રહ્યા છે. રળિયામણા દરિયા કિનારે આવવા-જવા સમાંતર, રસ્તા-લીન્ક રોડ હવે વાયદાના સોદામાં ના અટવાય એવી અપેક્ષા છે. - પ્રવાસને હોટેલ વ્યવસાય વિસ્તાર્યો : એકમાત્ર રોડ રસ્તે જોડાયેલું આ બંદરીય શહેર, પંથક દોઢ-બે દાયકાઓ દરમ્યાન દેશ-પરદેશના સહેલાણીઓને ઘેલું લગાડતાં ખાણી-પીણીના ધંધાર્થીઓ, હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાયકારો માટે અજવાળાં પથરાયાં છે. શહેરમાં ત્રણેક ડઝન સોસાયટી વિસ્તારો વિસ્તરતાં નદીની બંને બાજુએ પેટ મોટું થતું રહ્યું છે. મોલ કલ્ચર મોં ફાડે છે જ્યારે નાના-છૂટક વેપારીઓ મોં વકાસી રહ્યા છે. - બાયપાસ સાથે ચાર માર્ગી રોડ અપેક્ષિત છે : જૈન આશ્રમથી વિજય વિલાસ ત્રિભેટા આગળ નલિયા રોડને  રાષ્ટ્રીય ધોરીમાર્ગે જોડતો બાયપાસ નજીકના ભવિષ્યમાં યાતાયાત માટે ખુલ્લો મુકાઇ જશે એવી તંત્રની ધરપત વચ્ચે હવે આશ્રમથી શીતલા મંદિર સુધીનો નલિયા રોડ ડિવાઇડર સાથે ચારમાર્ગી નશીબ થાય એ સમયનો તકાજો છે. અવાંતરે જીવલેણ અકસ્માતો, નાના-મોટા એક્સિડેન્ટ જોતાં ગતિ નિયંત્રણની કડકાઇ સાથે ડિવાઇડર સહિત ચારમાર્ગી રોડ અત્યંત અનિવાર્ય બન્યો છે. સીસી ટીવી કેમેરાનો પથારો વધારી ટ્રાફિક વ્યવહાર  ઉપર અસરકારક પહેરો જરૂરી છે. નાની વયના વાહનચાલકો, `છાકટાઇથી' વાહન ચલાવનારાઓ ઉપર ધાક જરૂરી છે. બીચ તરફના રસ્તે પર્યાપ્ત અને સુચારૂ પાર્કિંગની સતત માંગ રહી છે. - વોર્ડવાર મહોલ્લા સમિતિની માંગ : પોણા લાખ નજીકની આબાદી અને નવ વોર્ડમાં સમાવિષ્ટ શહેરમાં નાગરિક સેવા સંકલન, સુચારૂ, અસરકારક બનાવવા વોર્ડવાર નાગરિક સમિતિઓના ગઠનની માંગ કરતાં ડો. આદિત્ય ચંદારાણાએ  તંત્ર અને નાગરિકોએ  હકારાત્મક બનવાનું જરૂરી લેખાવ્યું છે. જાહેર સ્થળોએ  વૃદ્ધા, દિવ્યાંગો, મહિલાઓ માટે બેઠક વ્યવસ્થા, વાચનાલયનું ડિજિટલ સ્વરૂપ અપગ્રેડ કરવા, રાજાશાહી સમયની કેનાલની સુધારણા અને વિસ્તરણ, વરસાદી પાણી-ઓગનની શ્રેષ્ઠ વ્યવસ્થા, કાચા-પાકાં દબાણો દૂર કરવા સહિત બાબતો આગળ કરીને શહેરની શોભાં વધે તેવું આયોજન સમયની માંગ, સમયનો સાદ તરીકે આગળ ધર્યું હતું. - વૈકલ્પિક બીચ વિકાસ, સગવડો સાથે : એકમાત્ર વીન્ડફાર્મ બીચ ઉપરનું ભારણ હળવું કરવા કાશી વિશ્વનાથ બીચ, ક્રાંતિતીર્થ સામે રાવળપીર કિનારો, ધ્રબુડી પાસે, આશરમાતા વગેરે દરિયા કિનારે માળખાંગત સગવડો ખડી કરીને  સમાંતર બીચ નશીબ કરાવવાની માંગ પૂર્વ નગરપતિ રસિકભાઇ દોશી અને જાગૃતોએ કરી હતી. આ સાથે 143 વર્ષો પુરાણા અને તત્સમયે દેશમાં પથ્થરની કમાનોવાળા સૌથી મોટા પુલની ગરિમા પ્રાપ્ત રૂકમાવતી નદીનો જૂનો પુલ ઐતિહાસિક મૂલ્યનું જતન કરવા ભારે મરંમતથી જાગતો રાખવો ડહાપણભર્યું કહેવાયું છે. એ પુ માંડવીની જાહોજલાલીની અસ્મિતારૂપ છે. - ડ્રાજિંગ, રેલવે અને હવાઇ માર્ગથી નવાજાય : રેતીનો ભરાવો ઉલેચવા પર્યાપ્ત અને સમયબદ્ધ ડ્રેજિંગ વિના મરણતોલ દેશી વહાણવટાંને બચાવી નહીં શકાય. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેની દોરવણીમાં રેલવે જોડાણ વાસ્તે તાજેતરમાં સર્વાંગીણ વિકાસ સમિતિએ રેલવે મંત્રીની રૂબરૂ મુલાકાત લઇને મેળવેલું આશ્વાસન જલ્દી ફળીભૂત થાય અને પ્રદેશમાં રેલવે જોડાણ વિનાનો એકમાત્ર આ તાલુકો રેલવે માર્ગે સાંકડી લેવાય એવો સ્વપ્ન જોવાય છે. 13મીએ સવારે ખીલી પૂજન સાથે 446મો સ્થાપના દિને અનેક અરમાનો જગાડયાં છે. 

Panchang

dd