ભુજ, તા. 31 : બારમાં ધોરણના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં કચ્છ મોખરે રહ્યું છે. કચ્છમાં મોખરાનું સ્થાન મેળવનાર ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની છાત્રા ક્રિશા મેશભાઇ ઠક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને સમાજને ઉપયોગી થવા ઇચ્છે છે. ક્રિશાએ 700માંથી 669 ગુણ એટલે કે, માત્ર 31 ગુણ ઓછા મેળવી, 95.57 ટકા સાથે પ્રેરક સફળતા મેળવી છે. શાળા, ટયૂશન અને સવારે એકાદ કલાક મળીને તેણે દિવસના 10 કલાક અભ્યાસને અર્પણ કર્યા હતા. માંડવી સ્થિત ક્રાંતિતીર્થમાં મેનેજર પિતા મહેશભાઇ, શિણક માતા નીપાબહેન તેમજ શાળા, ટયૂશનના શિક્ષકોનાં માર્ગદર્શને આ સફળતા શક્ય બનાવી હોવાનું કહેતાં ક્રિશા સૌનો આભાર માને છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી મધુભાઇ સંઘવી, આચાર્ય સુહાસબહેન તન્ના, પંકજબહેન રામાણી, સહિત શાળા પરિવારે ક્રિશાની સફળતાને બિરદાવી હતી.