• રવિવાર, 05 મે, 2024

ખાનગી ઉદ્યોગો મતદાન માટે પેઇડ રજા આપે

ભુજ, તા. 25 : લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે કચ્છની 31 સંસ્થા અને ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા, જેના પગલે અત્યાર સુધી થયેલી અસરકારક મતદાર જાગૃતિ કામગીરી તથા આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરીના સંદર્ભમાં કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિએ તમામ સંસ્થાના પ્રતિનિધિઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમજીવી વર્ગ તથા કર્મચારીઓ મહત્તમ મતદાન કરે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. શ્રી અરોરાએ કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યૌગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તેમજ મતદાનના દિવસે તેમને મળવાપાત્ર પેઇડ રજાનો ઉપયોગ કરીને મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચે તે અંગે જાગૃતિ સાથે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવા ખાસ સૂચન કર્યું હતું. શ્રમિક વર્ગને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે એકમોને ખાસ અવસર ડિસ્કાઉન્ટ પ્લાન ઘડવા, ઇન્સેન્ટિવ કે અન્ય ખાસ પ્રોત્સાહક યોજના બનાવવા જણાવાયું હતું. ખાસ કરીને મજૂર વસાહતમાં મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવા કલેક્ટરે સૂચના આપી હતી. તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે સ્વીપ અંતર્ગત ખાસ બેઠકનું આયોજન કરવા કલેક્ટરે સ્વીપના નોડેલ તથા સંબંધિત તંત્રના અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ 28 એપ્રિલે પોતાના બૂથને ઓળખો કાર્યક્રમમાં તમામને સહભાગી થવા અપીલ કરી હતી, જેથી મતદાનના દિવસે મતદાન મથક સુધી પહોંચવા મતદારોને સુગમતા પડે તેમજ તેઓ બાબતે જાગૃત બની શકે. ઔદ્યૌગિક સંસ્થાઓ સહિત દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ ડી.આર.ડી..- કચ્છ, પીજીવીસીએલ, ફોકીઆ- કચ્છ, ડીપીએ-ગાંધીધામ, કાસેઝ-ગાંધીધામ, વેલસ્પન- અંજાર, અદાણી પોર્ટ-મુંદરા, જીએમડીસી-ગઢશીશા, જીએમડીસી-માતાના મઢ, જીએમડીસી-ઉમરસર, જીએમડીસી-પાન્ધ્રો, એમડીએમ એસોશિએસન-કચ્છ, એફપીએસ એસો.-કચ્છ, ચાઈના ક્લે એસો.- કચ્છ, બેન્ટોનાઈટ એસો.-કચ્છ, સરહદ ડેરી, નવચેતન અંધજન મંડળ, જીઆઈડીસી-નખત્રાણા, જીઆઈડીસી-નાગોર, જીઆઈડીસી-ધ્રબ, અલ્ટ્રાટેક સિમેન્ટ-વાયોર, સાંઘી સિમેન્ટ- સાંઘીપુરમ, બીકેટી કંપની-અંજાર, ચેમ્બર ઓફ કોમર્સ- ગાંધીધામ અને ટિમ્બર્સ એસો. ઓફ ગાંધીધામના ઉપસ્થિત પ્રતિનિધિઓએ તેમના એકમ કે સંસ્થા દ્વારા થયેલી મતદાન જાગૃતિ અંગેની કામગીરી અંગે કલેકટરને અવગત કર્યા હતા. નોડેલ અધિકારી શ્રી વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન અને સંકલન કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang