• સોમવાર, 06 મે, 2024

આરોગ્ય વીમો હવે વરિષ્ઠો માટે સંકટ સમયની સાંકળ

જીવનના સંધ્યાકાળે મોટાભાગના વરિષ્ઠ નાગરિકોને તેમના  આરોગ્યલક્ષી ખર્ચની ચિંતા સતાવતી રહેતી હોય છે. વધતી જતી મોંઘવારી અને સરકારી યોજનાઓમાં આવકની મર્યાદાની બહાર  રહેતા વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય સારવારને લગતા ખર્ચને પહોંચી વળવામાં મદદ મળે એવો નિર્ણય લેવાયો છે. આરોગ્યને લગતા વીમાના લાભોમાં વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાના નિર્ણયથી મોટા વર્ગની સમસ્યા અને ચિંતા હવે દૂર થઇ શકશે.ભારતમાં સ્વાસ્થ્ય વીમાની યોજનાઓ મુશ્કેલીના સમયે ભારે આશીર્વાદ સમાન બની રહેતી આવી છે, પણ યોજનાઓમાંથી 65 વર્ષથી વધુ વયના નાગરિકોને બાકાત રાખવાના નિયમને લીધે વરિષ્ઠોને ખરી જરૂરતના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઊઠી હતી. સાથોસાથ વીમા યોજનાઓમાં એવી પૂર્વશરત રહેતી હતી કે, તેમાં નોંધણી કરાવ્યાના 48 મહિના એટલે કે, ચાર વર્ષ સુધી તેની જોગવાઇઓનો લાભ મળી  શકે નહીં. હવે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએ) દ્વારા બન્ને અડચણો દૂર કરાઇ છે. હવે આઇઆરડીએ દ્વારા વીમા સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર જાહેર કરાયા છે. નવા નિયમો મુજબ સ્વાસ્થ્ય વીમો લેવા માટેની  ઉંમરની મર્યાદા હટાવી લેવાઇ છે. હવે 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ  નાગરિકો પણ વીમો લઇ શકશે. વળી, વીમા લીધાના 36 મહિનામાં તેનો લાભ લઇ શકાશે એવો  નિર્ણય પણ આઇઆરડીએ દ્વારા જાહેર કરાયો છે. ઉપરાંત હવે વીમા કંપનીઓ કેન્સર, એઈડ્સ અને હૃદયરોગ જેવી બીમારીઓને લીધે કંપનીઓ વીમો આપવાનો ઇન્કાર કરી શકશે નહીં. દેશમાં વીમા ક્ષેત્રના વિકાસ અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવવાના ઇરાદા સાથે ક્ષેત્રમાં ખાનગી બેંકો અને વિદેશી કંપનીઓને પ્રવેશ અપાયો હતો. માટે સો ટકા વિદેશી રોકાણની છૂટ પણ અપાઇ હતી. ઓછું હોય તેમ ગ્રાહકોને વીમા કંપની બદલવાની છૂટછાટ પણ અપાઇ હતી. વીમાક્ષેત્રનાં પગલાંથી લોકોને તેનો લાભ વધ્યો  હતો  અને ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધી  હતી, પરંતુ ઉંમર અને અમુક ગંભીર બીમારીને લગતાં નિયંત્રણોને લીધે વીમા લેનારાને અડચણનો સામનો કરવો પડતો હતો. આઇઆરડીએના નવા નિર્ણયોથી વીમાક્ષેત્ર અને તેમાં પણ ખાસ તો આરોગ્ય વીમાની યોજનાઓ વધુ લોકભોગ્ય બની રહેશે. એક તરફ  સરકાર  દ્વારા વિવિધ યોજનાઓ તળે આરોગ્ય ક્ષેત્રે સંખ્યાબંધ લાભ આપવા શરૂ કર્યા છે. આવી યોજનાઓને લીધે સ્વાસ્થ્ય વીમાની  યોજનાઓની અનિવાર્યતા સામે સવાલ ઊભા થતા રહ્યા છે, પણ વાસ્તવિકતા છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પણ અમુક   મર્યાદાઓ છે. આમાં આવરી લેવાતા નથી એવા મોટા વર્ગ માટે આરોગ્ય વીમો સંકટ સમયની સાંકળ બની રહેતો હોય છે. આવા  વર્ગ માટે આઇઆરડીએના નવા નિયમો અને છૂટછાટ ખરા અર્થમાં આશીર્વાદરૂપ બની રહેશે. હવે વીમા કંપનીઓ નવા નિયમોની  હળવાશ ગ્રાહકો સુધી પહોંચાડવામાં પાછીપાની કરે નહીં જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang