• સોમવાર, 06 મે, 2024

હટડી પાસે વાહનની તીક્ષ્ણ વસ્તુથી બાઈકસવાર બે યુવકનાં માથાં ચીરાયાં

ભુજ, તા. 25 : મુંદરા તાલુકાના હટડી પાસે ગઈકાલે રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મૂળ ઝારખંડના બે શ્રમિક યુવાન બાઈકચાલક અમિત પ્રકાશ દિલીપકુમાર દ્વિવેદી (.. 25) અને પાછળ બેઠેલા બિપિનકુમાર આત્મજ વિજયકુમાર ચંદ્રવંશી (.. 21) બાઈક લઈ લેબર કોલોનીથી હટડી ગામ તરફ આવી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ભારે વાહનની ટક્કરમાં તીક્ષ્ણ વસ્તુથી બન્ને યુવકોનાં માથાં ચીરાઈ જતાં બન્નેનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. સાંભળીને કંપારી છૂટે એવા અરેરાટીભર્યા માર્ગ અકસ્માત અંગે મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અને કેસના તપાસકર્તા પીએસઆઈ નિર્મલસિંહ જાડેજા પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ ઝારખંડ રાજ્યના અમિત અને બિપિન બન્ને હટડી પોર્ટમાં મજૂરી કરતા હતા અને લેબર કોલોનીમાં રહેતા હતા. ગઈકાલે રાત્રે કૌટુંબિક ભાઈની મોટર સાઈકલ સ્પ્લેન્ડર નં. જી.જે. 12 બીબી-6287 લઈને બન્ને લેબર કોલોનીથી હટડી ગામ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે કોઈ સામેથી આવતા અજાણ્યા વાહને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટર મહેન્દ્રસિંહ જાડેજાને ફોન આવતા ઘટનાસ્થળે પહોંચતા રોડ સાઈડમાં બાઈક પડી હતી અને બન્ને યુવકો મૃત અવસ્થામાં પડયા હતા અને અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક વાહન લઈને નાસી છૂટયો હતો. અકસ્માત અંગે તપાસકર્તા મુંદરા મરીનના પીએસઆઈ શ્રી જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રક જેવા કોઈ ભારેખમ વાહનમાં લાગેલા તીક્ષ્ણ સેફ્ટી ગાર્ડ કે વાહનની સાઈડમાં રહેલા ધારદાર પતરાં જેવી તીક્ષ્ણ વસ્તુથી ઈજાનાં પગલે બન્ને યુવકનાં માથાં ચીરાઈ ગયાં હતાં. આમ, મહેન્દ્રસિંહે નોંધાવેલી ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang