• રવિવાર, 05 મે, 2024

જળવાયુ પરિવર્તનનાં જોખમ : વિકસિત દેશોનું દુર્લક્ષ

આજે લગભગ સમગ્ર વિશ્વનું ધ્યાન ગાઝા અને યુક્રેનના સંઘર્ષો પર કેન્દ્રિત થઇ ગયું છે, તેવા સમયે દુનિયાની સામે જળવાયુ પરિવર્તનના પડકારની સામેના જંગની અનિવાર્યતા વિસરાઇ ગઇ હોવાની ચિંતાજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે. પૃથ્વી પરનાં તાપમાનમાં અસામાન્ય વધારો થશે એવી વ્યક્ત થઇ રહેલી ભીતિ હવે અસહ્ય ગરમીના આંકડાથી સાચી ઠરી છે. જળવાયુ પરિવર્તનનાં જોખમો જ્યારે વાસ્તવિક રીતે સામે આવી ચૂક્યાં છે, ત્યારે વિકસિત દેશોનાં જવાબદારીથી છટકવાનાં નકારાત્મક વલણને લીધે સંકટ સામેની સજ્જતા સામે સવાલ ઊભા થઇ રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ અંગે થયેલા પેરિસ કરારમાં દુનિયાનાં તાપમાનમાં દોઢ ડિગ્રી જેટલો ઘટાડો કરવાનો સંકલ્પ જાણે વિસરાઇ ગયો હોય તેવો તાલ સર્જાયો છે. વિકટ પરિસ્થિતિ માટે વિકસિત દેશોનાં નિરુત્સાહી વલણને જવાબદાર ગણી શકાય તેમ છે. ભારતમાં પણ ઉનાળાની મોસમ વધુ વિકટ અને કાળઝાળ બની રહે એવા સંકેત મળી રહ્યા છે. આવામાં વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ) દ્વારા જળવાયુ ભંડોળના મુદ્દે સુસ્ત પ્રગતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. બન્ને નાણાકીય સંગઠનની વાર્ષિક બેઠકમાં જળવાયુ પરિવર્તનના સામના માટે અનિવાર્ય એવાં અબજો ડોલરનાં ભંડોળને એકઠું કરવાની કોઇ નક્કર યોજના ઘડી શકાઇ નથી. ઉલ્લેખનીય છે કે વર્ષે આઝરબૈઝાનમાં સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ સંમેલન (સીઓપી) યોજાવાનું છે. સંમેલનમાં વિશ્વમાં પ્રદૂષણનાં પ્રમાણને રોકવા માટેનાં સામૂહિક લક્ષ્ય અને નવાં જળવાયુ આર્થિક લક્ષ્ય પર ચર્ચા કરાશે. આમ તો દુનિયાના અમીર દેશો પાસેથી અપેક્ષા કરાતી રહી છે કે 2020થી તેઓ દર વર્ષે 100 અબજ ડોલરનું ભંડોળ જળવાયુ પરિવર્તનને ખાળવા ફાળવશે. પરંતુ, વૈશ્વિક રીતે આર્થિક તંગીની સ્થિતિને લીધે વિકસિત અને વિકસતા દેશોની આર્થિક પ્રાથમિક્તાઓ બદલી ગઇ છે.  આઇએમએફનાં અધ્યક્ષા ક્સ્ટાલિના જ્યોજિવાના જણાવ્યા મુજબ 2020થી વૈશ્વિક અર્થતંત્રે 3,300 અબજ ડોલર ગુમાવ્યા છે. ગરીબ દેશોની હાલત વધુ કફોડી બની છે. તેમનાં બજેટનો 14 ટકા હિસ્સો ધિરાણ ચૂકવવામાં ચાલ્યો જાય છે.  ઓછું હોય તેમ વ્યાજના દર વધતાં ભારણ વધી રહ્યં છે. આવા સંજોગોમાં વિકસિત દેશો તેમનું યોગદાન આપવામાં બહાના કાઢવા લાગ્યા છે. સૌથી વધુ આનાકાની અમેરિકા તરફથી થઇ રહી છે. આવા નિરાશાજનક સંકેતો વચ્ચે મોસમનો વિકરાળ બનતો મિજાજ દિવસોદિવસ ચિંતાજનક બની રહ્યો છે. દુનિયાભરમાં જળવાયુ પરિવર્તન અંગેની આશંકાઓ અને સંકેતો હવે સાચા ઠરી રહ્યા છે. વધતી જતી ગરમીને લીધે કમોસમી વરસાદ અને વાવાઝોડાંની સાથોસાથ જંગલોમાં દવનું પ્રમાણ જોખમી રીતે વધી રહ્યં છે. આવામાં વિકસિત દેશોએ તેમની જવાબદારી સમજીને પોતાનાં યોગદાનની વચનબદ્ધતાને વળગી રહેવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang