• શનિવાર, 04 મે, 2024

ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હીની દમદાર જીત

નવી દિલ્હી, તા. 24 : દિલ્હી ખાતેના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ડીસીએ ખડકેલા 224 રનના ખડકલા સામે જીટીએ શરૂઆતથી મજબૂત રીતે બેટિંગ કરી હતી, પણ આગળ વધતા બીજા દાવમાં ગુજરાતની પકડ ઢીલી થઈ અને એક પછી એક વિકેટ પડતાં અંતે જીટીએ 20 ઓવરમાં 220 રન કરતાં દિલ્હીની 4 રને જીત થઈ હતી. જીતના ઈરાદે મેદાને ઊતરેલી ગુજરાતના રિદ્ધિમાન સહા અને સાઈ સુદર્શને બાજી સંભાળી હતી. જો કે, સહા 25 દડામાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 39 રન બનાવી પરત ફર્યો હતો, જ્યારે સુદર્શન પણ ગુજરાતની આશા કાયમ રાખવામાં નાકામ રહ્યો હતો અને 39 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 65 રને કેચ આઉટ થયો હતો અને શાનદાર બેટિંગનો અંત થયો હતો. જો કે, ત્યાર બાદ ડેવિડ મિલરે પણ 23 દડામાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 55 રન કર્યા હતા. રસિખ સલામે 4 ઓવરમાં 44 રન આપી 3 વિકેટ ખેરવી હતી, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ લીધી હતી. જો કે, અક્ષર પટેલે પહેલાં સુદર્શનનો કેચ છોડયો હતો અને બાદમાં તેને કેચ આઉટ કરતાં મેચને દિલ્હી તરફી બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેણે 3 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ પણ લીધી હતી. અગાઉ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ધીમી અને નબળી શરૂઆત બાદ છેલ્લી પાંચ ઓવરમાં રનનો ધોધ વહાવીને દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન ખડકયા હતા. કેપ્ટન રિષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીએ આખરી ઓવરમાં 97 રન ઉમેર્યાં હતા. જે આઇપીએલ ઇતિહાસમાં આખરી ઓવરનો બીજો શ્રેષ્ઠ ઉમેરો છે. ખાસ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં ગુજરાતના બોલરો લાઇન-લેન્થ ભુલ્યા હતા. આથી ઇનિંગ્સના છેલ્લા 18 દડામાં પંત-સ્ટબ્સની જોડીએ 67 રનનો વધારો કરીને મેદાન પર રનનું રમખાણ સજર્યું હતું. 19મી ઓવરમાં 22 અને 20મી ઓવરમાં પંતે 4 છગ્ગાથી 31 રન ઝૂડયા હતા. રિષભ પંત કેપ્ટન ઇનિંગ્સ રમીને 43 દડામાં ચોગ્ગા અને 8 છગ્ગાથી આતશી 88 રને નોટઆઉટ રહ્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સના મીડિયમ પેસર મોહિત શર્માએ 4 ઓવરમાં વિના વિકેટે 73 રન લૂંટાવ્યા હતા. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. દિલ્હીએ પાવર પ્લેમાં પૃથ્વી (11), ઝેક ફ્રેઝર (23) અને હોપ ()ની વિકેટ ગુમાવી દીધી હતી. પછી પીંચ હિટર અક્ષર પટેલ અને કેપ્ટન રિષભ પંતે દબાણની પરિસ્થિતિમાં હલ્લાબોલ શરૂ કરી ગુજરાતની બોલિંગ-ફિલ્ડિંગ છિન્નભિન્ન કરી દીધી હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 68 દડામાં 113 રનની તાબડતોબ ભાગીદારી થઇ હતી. અક્ષર પટેલે 43 દડામાં ચોગ્ગા-4 છગ્ગાથી 66 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. ડેથ ઓવર્સમાં પંતની ફટકાબાજી શરૂ થઇ હતી, જેમાં ટ્રિસ્ટન સ્ટબ્સે બખૂબી સાથ આપ્યો હતો. તે માત્ર 7 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 26 રને નોટઆઉટ રહ્યો હતો અને પંત સાથે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 18 દડામાં 67 રન કર્યાં હતા. ગુજરાત તરફથી સંદિપ વોરિયરે 3 ઓવરમાં 1 રનમાં 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang