• શનિવાર, 04 મે, 2024

કોમવાદ ઉશ્કેરે છે કોણ ?

દિલ્હી દરબાર : લોકોની સંપત્તિ જપ્ત કરીને ઘૂસપેઠીઆ - (ઘૂસણખોર) અને જેમના ઘણાં બાળકો હોય એમને વહેંચી દેવાનો કૉંગ્રેસનો પ્લાન - વચન - હોવાનો આક્ષેપ વડા પ્રધાન મોદીએ ર્ક્યા પછી રાહુલ ગાંધીના `ચાણકય' ગણાતા અમેરિકાસ્થિત ગુજરાતી સામ પિત્રોડાએ પણ કૉંગ્રેસના વટાણા - કે મોતી વેરી નાખ્યાં છે! અમેરિકામાં વારસાવેરો છે એવો વેરો ભારતમાં પણ હોવો જોઈએ - સંપત્તિના પચાસ ટકા સરકારને મળવા જોઈએ - નિવેદન પછી વિવાદમાં વધુ ભડકો થયો છે અને તેલ સામ પિત્રોડાએ રેડયું છે! હવે ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે - તેનો અર્થ નથી. જે હોય-અથવા દિમાગમાં - છે તે હોઠે આવી ગયું છે! મોદી-યોગી અને ભાજપના તમામ નેતાઓના હાથમાં શસ્ત્ર આવી ગયું છે. ભૂતકાળમાં તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન  સિંઘ પણ બોલી ગયા હતા કે દેશની સંપત્તિમાં - નાણાં-સાધાનોમાં પ્રથમ હક લઘુમતીનો છે! એમ કહ્યું હોત કે ગરીબોનો હક છે તો વાત જુદી હતી. પણ વોટ બૅન્કની માનસિકતા છતી થઈ ગઈ અને મોદીના આક્ષેપ - નિવેદનને સમર્થન આપતા પુરાવા પણ જાહેરમાં આવી રહ્યા છે! આંધ્રમાં એસસી/એસટીના આરક્ષણમાં કાપ મૂકીને લઘુમતીને આપવાના તમામ પ્રયાસ - કાયદા હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ રદબાતલ ર્ક્યા હતા. અત્યારે કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર હિન્દુ મંદિર - મઠને અન્યાય કરીને છડેચોક મુસ્લિમ કોમવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપી રહી છે - તેનો ઈનકાર થઈ શકે નહીં અને પુરાવા - સંયોગિક અને કાનૂની છે તેથી ચૂંટણી પંચ શું કરશે? કરી શકે? કૉંગ્રેસના વકીલ અભિષેક મનુ સંઘવી અને પ્રવકતા જયરામ રમેશ કહે છે કે ચૂંટણી પંચ જલદી ચુકાદો નહીં આપે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું - ``જલદી'' એટલે શું? ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે અને હજી લાંબી ચાલવાની છે. તબક્કાવાર મતદાન છે તેથી ``જલદી'' કેવી રીતે નક્કી થશે? ચૂંટણી પંચે તો નક્કી કરવાનું છે કે મોદીનું નિવેદન કોઈ ચોક્કસ લઘુમતી સામે અને કૉંગ્રેસને વોટ નહીં આપો - એવું હતું કે પછી મોદી એમના પુરોગામી વડા પ્રધાન (ડૉ. સિંઘ)ના નિવેદનને કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સાથે જોડી રહ્યા હતા? ચૂંટણી પંચ અભ્યાસ કરે તે પહેલાં ભૂતકાળમાં કૉંગ્રેસ દ્વારા થયેલા નિવેદન અને પસાર થયેલા - અદાલતે રદબાતલ કરેલા કાયદાનો ઇતિહાસ તાજો થઈ રહ્યો છે - જે પંચને કામ લાગશે! દરમિયાન પ્રિયંકા વડરા ગાંધી પણ વિવાદમાં જોડાયાં છે - એમના માતુશ્રી સોનિયાજીએ તો મંગળસૂત્ર દેશને ચડાવ્યું છે એમ કહીને રાજીવ ગાંધીની હત્યા - બલિદાનની યાદ અપાવી છે. પણ એમણે યાદ રાખવું જોઈએ કે ભારતના હજ્જારો - લાખ્ખો સપૂતોએ શહીદી વહોરી છે - તેઓ પણ માતા-બહેનો-ના ``મંગળસૂત્ર'' હતાં. અત્યારે વાત થાય છે - મંગળસૂત્ર ગુમાવવાની, બલિદાનની નહીં. મુસ્લિમ તુષ્ટીકરણ અને વોટ બૅન્કના વિવાદના પરિણામે લગભગ તમામ વિપક્ષો ડાબા-જમણા અને તે સિવાયના હવે - એકતા બતાવી રહ્યા છે -! પણ બંગાળની જેમ કેરળમાં કૉંગ્રેસ સામે લડી રહ્યા છે. કેરળમાં - જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં સીપીએમના ડાબેરી મોરચાના મુખ્ય પ્રધાન - પિનારાઈ વિજયન પણ કેજરીવાલ અને સોનોવાલની જેમ જેલમાં હોવા જોઈએ - પણ કેમ નથી? એમ કહીને રાહુલ ગાંધીએ ડાબેરી મુખ્ય પ્રધાન ભાજપ સાથે ભળેલા છે એવો આડકતરો આક્ષેપ ર્ક્યો છે! અને તેના જવાબમાં સીપીએમના વિધાન મુસ્લિમ સભ્ય અન્વરે તો કહ્યું છે રાહુલના ડીએનએ ટેસ્ટ કરાવો - તેઓ ગાંધી પરિવારના હોઈ શકે નહીં... હવે કૉંગ્રેસ કહે છે - અન્વર તો ગોડસે છે! ગાંધી નહેરુની બદનક્ષી કરે છે એવી ફરિયાદ પોલીસમાં કરી છે! ચૂંટણી પ્રચારમાં મુસ્લિમ કોમવાદને કોણ ઉશ્કેરે છે - એનો ચુકાદો તો મતદારોએ આપવાનો છે - ચૂંટણી પંચ શું આપે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang