• સોમવાર, 06 મે, 2024

સેનામાં ધર્મનાં ધોરણે આરક્ષણ ? ખતરનાક ખેલ

દિલ્હી દરબાર : લોકોની સંપત્તિ સરકારના `હાથ'માં જવાની વાતનો વિવાદ હજુ વધુ વકરી રહ્યો છે ત્યાં કૉંગ્રેસના ઢંઢેરાની વધુ ખતરનાક વિગત બહાર આવી રહી છે! સામાન્ય રીતે ઢંઢેરો વાંચવાની કોઈને ફુરસદ હોતી નથી પણ પિત્રોડાના ધડાકા પછી કૉંગ્રેસ સહિત સૌના કાન સરવા થયા છે! સરકારી નોકરીઓમાં આરક્ષણના પ્રશ્નમાં નવા વિવાદ શરૂ થતા રહે છે. કૉંગ્રેસે ભારતીય સેના-સુરક્ષા દળોમાં પણ ધર્મ-મઝહબનાં ધોરણે આરક્ષણ આપવાના નિર્દેશ કર્યા છે! અલબત્ત, જાતિવાદના આધારે વસતિ  ગણતરીના ઓઠાં હેઠળ આવું ગર્ભિત વચન અપાયું છે. ભારતીય સેના સાચા અર્થમાં `સેક્યુલર' છે. કોઈ ધર્મ અથવા રાજ્ય, ભાષાના આધારે રેજિમેન્ટ બનતી નથી. મરાઠા રેજિમેન્ટમાં અન્ય રાજ્યના જવાનો હોય. જંગમાં જતી વખતે જય બજરંગબલી - કે હરહર મહાદેવની ગર્જના થાય તેનો વિરોધ કરવાની `િહંમત' સેક્યુલરવાદીઓએ બતાવી નથી સદ્ભાગ્ય છે. હવે રાહુલ ગાંધી કહે છે - સત્તા ઉપર આવવાના પ્રથમ દિવસે અમે જાતિવાદી વસતિ ગણતરી શરૂ કરાવીશું. માનસિકતા ભારત જોડવાની છે? કે તોડવાની? બ્રિટિશરોએ ભાગલા પાડીને રાજ કર્યું હવે `તારાજ' કરવું છે? કૉંગ્રેસના ઘોષણાપત્રમાં - અલગ અલગ કલમો છે જેનું સંકલન કરવાથી ફળદ્રુપ ભેજાનો અંદાજ આવે છે. શિક્ષણ અને નોકરીમાં લઘુમતીને લાભ - આર્થિક ધોરણે નહીં - ધર્મનાં ધોરણે અપાય અને સ્વાભાવિક છે કે સેનાની `નોકરી'માં પણ અપાય. અત્યારે આપણા સુરક્ષા દળોમાં મુસ્લિમ - ખ્રિસ્તી - દરેક લઘુમતીના જવાનો - અફસરો સેવા આપી રહ્યા છે. શહીદી વહોરી છે. ભારતને એમનું ગૌરવ છે - હવે ધર્મના નામે ઝહેર આપવું છે? આરક્ષણની વ્યવસ્થામાં એસસી/એસટીની ટકાવારીમાં ભાગ પડે તો વેરઝેર વધે! વર્ષ 2004થી 2014 દરમિયાન આંધ્રમાં પાંચ વખત ધર્મના આધારે આરક્ષણ આપવાના ખરડા પસાર થયા પણ સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા. હવે આર્થિક અસમાનતા દૂર કરવાના નામે ધર્મના આધારે વસતિ ગણતરી અને આરક્ષણનો પ્રવેશ કરવાનું કાવતરું છે! સામભાઈ પિત્રોડાના `ધમાકા' નિવેદનના પડઘા આસાનીથી શાંત થવાની શક્યતા નથી. કૉંગ્રેસના ઘણાં નેતાઓ ખાનગીમાં કહી રહ્યા છે કે પિત્રોડાએ `દાટ' વાળ્યો! ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે કૉંગ્રેસ સત્તા ઉપર આવે તો નવા કરવેરા નહીં આવે - વાત ઉપર ભાર મૂકવાને બદલે રાહુલ ગાંધીએ વાત વણસાવી છે. પિત્રોડાના નિવેદન અને સૂચન સાથે કૉંગ્રેસને લેવાદેવા નથી એમ ગાઈ-બજાવીને કહેવાની જરૂર છે - એવો ચણભણાટ કૉંગ્રેસમાં છે પણ રાહુલ ગાંધીને - ખાનગીમાં પણ - સાચી સલાહ આપવાની હિંમત કોને છે? જાણકારોના મત મુજબ પિત્રોડાએ `વારસા-વેરા'ને લગતી સલાહ રાહુલ ગાંધીને ઘણાં વખત પહેલાં આપી છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ ઢંઢેરાના બચાવમાં ગમે તેટલી દલીલો ભલે કરે - તેનું કોઈ વજૂદ નથી. રાહુલ ગાંધીના ગુરુ પિત્રોડા છે અને રાહુલનાં નિવેદનો અને ભાષણો ધ્યાનથી સાંભળ્યા અને સમજ્યા હોય તે સૌ સ્વીકારે છે કે પિત્રોડાના `ધડાકા'ની પૂર્વ `ભૂમિ' રાહુલ ગાંધી તૈયાર કરી રહ્યા હતા. અદાણી - અંબાણી અને પૂંજીપતિઓ ઉપર ટીકા પ્રહાર સંદર્ભમાં જોવા જોઈએ. મોદીના મિત્રો અબજોપતિ બન્યા છે - પણ કોઈ પછાત - લઘુમતીના ભાગ્ય ખુલ્યા છે? આવા પ્રશ્નો પૂછતા રહ્યા છે અને એમની સાથે વાત થઈ હોય તો પિત્રોડા - વારસો - સંપત્તિ સરકાર દ્વારા જપ્ત થવાની વાત - સમય પાક્યો હોવાથી કરે! મોદીના હાથમાં `પતાસું' પડયું અને કૉંગ્રેસમાં નેતાઓના હોઠ ફફડવા લાગ્યા એટલે પિત્રોડાએ લૂલો બચાવ કર્યો - કોણ માને? હૈયા કે મનની વાત હોઠે આવી ગઈ!  સંપત્તિ - સરકારના `હાથ'માંના પ્રશ્ને વડા પ્રધાન મોદીએ તાત્કાલિક રેડલાઇટ બતાવીને - સાવધાનીની સાયરન વગાડી છે તેની સામે કૉંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. દરમિયાન, ચૂંટણીસભામાં મોદીએ રામ મંદિર નિર્માણ અને શીખ સમાજ માટે પાકિસ્તાનના ગુરુદ્વારાની યાત્રા માટે કરતારપુર સાહેબ માર્ગ, અફઘાનિસ્તાનથી ગુરુગ્રંથ સાહેબ શ્રદ્ધાપૂર્વક ભારતમાં લાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે આચારસંહિતાનો ભંગ હોવાની ફરિયાદ થઈ હતી. ચૂટણી પંચનો ચુકાદો છે કે આચારસંહિતાનો ભંગ થયો નથી. વડા પ્રધાને ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે - ભગવાનના નામે વોટ માગ્યા નથી. સરકારની કામગીરી ગણાવી છે. ઉપરાંત કોઈ કોમ વિરોધી નથી. હવે સંપત્તિ સરકાર જપ્ત કરે અને જેમનાં વધુ બાળકો હોય એમને વહેંચી દેવાશે - એમ કહેવામાં કૉંગ્રેસની નીતિ અને `દાનત'ની ટીકા છે? કે લઘુમતીનો દ્રોહ? તે પ્રશ્ન છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang