• રવિવાર, 05 મે, 2024

ફેશનેબલ દાઢીને પાટીદાર સમાજે આપી તિલાંજલિ

વાંઢાય, તા. 25 : આગામી તા. 10/5 અખાત્રીજના સપરમા દિવસે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે કડવા પાટીદાર જ્ઞાતિના વ્યસન અને ફેશનમુક્ત 22 યુગલ લગ્નગ્રંથિથી જોડાશે. તેમને વ્યસન-ફેશનમુક્ત રહેવાના શપથ પણ લેવડાવાશે. લગ્નોત્સવના આયોજનને આખરી ઓપ આપવા હવનાષ્ટમીના આયોજન સમિતિના પ્રમુખ રવિલાલભાઈ રામજીયાણીના અધ્યક્ષસ્થાને વાંઢાય ખાતે સભા મળી હતી. સભામાં વાલીઓને લગ્નપત્રિકા, કાર્યક્રમની સૂચિ ઉપરાંત પસંદ કરાયેલા પાનેતર તેમજ વરપક્ષને તલવાર વગેરે દાતાઓના સહયોગથી અપાયા હતા. ચાંદીનો ઝુડો મૂળ કંડાયના અને હાલે મૈસુર (બેંગ્લોર) નિવાસી દામજીભાઈ હળપાણી પરિવાર તરફથી અપાશે, ઉપરાંત ચાંદીની ગાય સોનુબેન રમેશ પોકાર અને હેમુબેન સુરેશ પારસિયા-ભુજ તરફથી ભેટ અપાશે તેમજ અન્ય ભેટ ટ્રોલી બેગ, કાંસાના વાસણનો સેટ, મા માટલા, બાજોટ-પાટલા વગેરે પણ દાતાઓના સહયોગથી ભેટ અપાશે તેવી માહિતી સભામાં અપાઈ હતી. વર્ષે પણ કન્યાઓના વાલીઓની યોગ્યતા મુજબ સરકારની સાત ફેરા તેમજ કુંવરબાઈ મામેરાની યોજનાનો લાભ અપાવાશે તેવું જણાવાયું હતું.  હાલમાં યુવાનોમાં વધતા જતા વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશ્યથી સભામાં વિશેષ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિતોએ એકસાથે હાથ ઊંચા કરી ઠરાવને અનુમોદન આપ્યું હતું. સમૂહલગ્નના ઉચિત અન્ય નિયમો જેવા કે ફેશનેબલ દાઢી, હલ્દી રસમ, પ્રિ-વાડિંગ જેવાને તિલાંજલિ આપવા પણ સભાએ અનુમોદન આપ્યું હતું. સભાના પ્રારંભે આયોજન સમિતિના ખજાનચી હીરાલાલભાઈ અમૃતિયાએ સ્વાગત કર્યું હતું જ્યારે વાંચન સહમંત્રી વિનોદભાઈ ધોળુએ કર્યું હતું. અત્યાર સુધી થયેલ કામગીરીનો અહેવાલ મહામંત્રી રમેશભાઈ પોકારે આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં માત્ર અખાત્રીજના પટાંગણમાં 1096 દીકરા-દીકરીએ જોડાઈને સુખી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો છે. હંમેશની જેમ આગામી શ્રાવણ માસે રોકડ કન્યાદાન અર્પણ કાર્યક્રમ યોજાશે, જેમાં દાંપત્ય જીવન ઉપર મોટીવેશનલ સેમિનારનું આયોજન પણ કરાશે. પ્રમુખસ્થાનેથી રવિલાલભાઈ રામજીયાણીએ જણાવ્યું હતું કે, સમાજની દીકરી અમારી દીકરી છે તેમ સમજી સમિતિ કામ કરે છે માટે સમૂહલગ્ન સફળ થાય છે.  સંચાલન મંત્રી પ્રાણલાલ રામજીયાણીએ કર્યું હતું. આભારદર્શન મંત્રી જયંતીભાઈ ચોપડાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang