• રવિવાર, 05 મે, 2024

સંપત્તિ `સર્વે'નો છૂપો એજન્ડા

દેશભરમાં ખાનગી સંપત્તિની મોજણી - સર્વે કરાવવાનો મુદ્દો કોંગ્રેસનાં ઘોષણાપત્રમાં છે અને હવે ચૂંટણી પ્રચારમાં ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભાઓમાં કોંગ્રેસના `છૂપા એજન્ડા'ને જાહેરમાં ખુલ્લો પાડયા પછી કોંગ્રેસના નેતાઓ બચાવમાં મુકાઇ ગયા છે, ત્યારે રાહુલ ગાંધીના અમેરિકાસ્થિત મિત્ર સામ પિત્રોડાએ સંપત્તિ સર્વેના વિવાદમાં વધારો કરીને કોંગ્રેસની હાલત કફોડી કરી છે. વડાપ્રધાને કરેલો આક્ષેપ સાચો ઠરે છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના `સલાહકાર' ગણાતા સામ પિત્રોડા કહે છે કે, `અમેરિકામાં વારસા ટેક્સ લાગે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય અને મૃત્યુ થાય છે, તો ફક્ત 45 ટકા પોતાનાં બાળકોને આપી શકે છે. પંચાવન ટકા સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. એક રસપ્રદ નિયમ છે. આવા પ્રકારના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. એક નીતિગત મુદ્દો છે. કોંગ્રેસ પક્ષ એક એવી નીતિ બનાવશે, જેનાં માધ્યમથી સંપત્તિની વહેંચણી બહેતર થશે.' સામ પિત્રોડાએ સંપત્તિનાં પુનર્વિતરણ માટે 50 ટકા વારસા ટેક્સની વકાલત કરી છે. આનો અર્થ થયો કે, આપણે આપણી મહેનતથી જે કંઈ પણ કમાઈશું, તેનો અડધો હિસ્સો કોંગ્રેસ સત્તામાં આવે તો છીનવી લેવામાં આવશે. રાહુલ ગાંધી પણ અગાઉ સંપત્તિનું સર્વેક્ષણ કરી તેની વહેંચણી કરવાની વાત કરી ચૂક્યા છે. માઓવાદી માનસિકતા છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલાં સામ પિત્રોડાનાં નિવેદને કોંગ્રેસને બેકફૂટ પર મૂકી દીધી છે. કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘનાં જૂનાં નિવેદનનો પણ ઉલ્લેખ કરવો ઘટે કે, દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવો જોઈએ. હવે પિત્રોડા કહે છે કે, સંપત્તિની વહેંચણી સંદર્ભમાં વિચાર-વિમર્શ થવો જોઈએ. સંપત્તિ વહેંચણીનો જે મુદ્દો કોંગ્રેસ નેતા દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે તેના પર વિવાદ વધી ગયો છે, રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પિત્રોડાનાં નિવેદનની `ખબર' લેતાં જાહેરસભામાં કહ્યું છે કે, કોંગ્રેસ લોકોનાં મરણ પછી પણ ટેક્સનો બોજો લાદવા માગે છે. રીતે તમારાં બાળકોને મળનારી સંપત્તિ પર કોંગ્રેસની નજર છે. હવે જ્યારે વડાપ્રધાન મોદીએ મુદ્દો ઉપસ્થિત કર્યો છે તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને તેઓએ પિત્રોડાનાં નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવી તેમનાં નિવેદનથી થનારાં નુકસાનને રોકવાનો પ્રયાસ કર્યો છે. જો કે, સામ પિત્રોડાનાં નિવેદને દેશની સામે કોંગ્રેસની મુરાદ સ્પષ્ટ કરી છે. હવે કોંગ્રેસ પાસે એક પર્યાય છે કે, તે પોતાનાં ઘોષણાપત્રમાંથી સંપત્તિની વહેંચણીનો મુદ્દો ખેંચી લે અથવા તો સ્વીકાર કરે કે, વાસ્તવમાં તેનો ઈરાદો છે. લોકોએ પણ સામ પિત્રોડાનાં નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ. ભાજપે સામ પિત્રોડાનાં નિવેદનને લઈ લોકોને જાગૃત કરવા જોઈએ અને ભવિષ્યમાં તોળાતા ભયથી સાબદા બનાવવા જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang