• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

દહેજની અપેક્ષા રાખનાર સામાજિક અપરાધી

ભુજ, તા. 30 : અહીંના આઇયાનગર સ્થિત ઓમકારેશ્વર મંદિરના પ્રાંગણમાં ચાલતી ભાગવત કથામાં વક્તા શરદભાઇ વ્યાસે સ્વરૂપવાન કરતાં ગુણવાન વ્યક્તિને પ્રાધાન્ય આપવા તેમજ વિવાહના અવસરે દહેજની અપેક્ષા રાખનારી વ્યક્તિ સામાજિક અપરાધી છે તેવી સમજ આપી હતી. સુદામાચરિત્ર અને ગોપપ્રેમ પ્રસંગનાં વર્ણન સાથે આ કથાને તેમણે વિરામ આપ્યો હતો. દેવકાબેન વિઠ્ઠલદાસ જોષીના આત્મકલ્યાણાર્થે જીવદયાપ્રેમી કમલબેન તુલસીદાસ જોષીના મુખ્ય યજમાન પદે યોજાયેલી આ ભાગવત કથામાં વક્તાએ સમજાવ્યું હતું કે, સ્વયંની હાજરીથી થતું કર્મ ઇષ્ટ કર્મ છે, જ્યારે પ્રત્યક્ષ હાજરી ન હોય અને થતું કર્મ સત્કર્મ છે. ગૌશાળા, આરોગ્ય, શિક્ષણધામ, તળાવો, સરોવર, ચબૂતરા, પરબ જેવા કાર્યોમાં યોગદાન એ પૂર્ણ કર્મ કહેવાય. આ કર્મોનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. કથાની પૂર્ણાહુતિ બાદ કથા મંડપમાં પંચકુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં છ પોથી યજમાનોએ નાળિયેર હોમીને નારાયણ યજ્ઞમાં વિશ્વકલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ મંદિરમાં મહાઆરતી અને સમૂહપ્રસાદનું આયોજન થયું હતું. આ કથા શ્રવણનો ગિરીશ જોષી (કચ્છમિત્ર), રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રબોધ મુનવર, જયંતી ગોર,  પ્રકાશ ઉગાણી, ઇશ્વરગિરિ, માવજી ગુંસાઇ, શંભુલાલ જોષી, કનૈયાલાલ અબોટી, નવીન વ્યાસ, નીલેશ ગણાત્રા, રાતાતળાવ સંત વાલરામજી ગૌશાળાના ટ્રસ્ટી નાનજી ભાનુશાલી, દીપક દવે, નવીન માવ, વસંત નંદા, હિંમત માવ, કૈલાશ ગોસ્વામી, મેહુલ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, સચિન ઠક્કર,  ભૂરજીબાપા ચંદે વગેરેએ લાભ લીધો હતો. આ પ્રસંગે રાતાતળાવ ગૌશાળા, બ્રહ્મસમાજના વિવિધ મંડળો, સગાં-સ્નેહી-મિત્રો દ્વારા મુખ્ય યજમાન પરિવાર તથા વક્તાનું બહુમાન કરાયું હતું. કથાનું સૂત્ર સંચાલન જગદીશ ગોર `શરમાળ' તથા વસંત અજાણીએ સંભાળ્યું હતું. ઓમકારેશ્વર મહિલા મંડળે આયોજનમાં વિશેષ સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang