ભુજ, તા. 18 : જનમાનસને નૈતિક મૂલ્યો પ્રત્યે
જાગૃત કરતા અવિરત ગતિમાન યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી કચ્છ જિલ્લામાં વિચરણ કરી રહ્યા
છે. આચાર્યે મિરજાપર કુમારશાળામાંથી પ્રભાત વેળાએ મંગલ વિહાર કર્યો હતો. 12 કિ.મી. વિહાર કર્યા બાદ ગુરુદેવ
નારણપર ગામે પહોંચ્યા હતા.મહાશ્રમણજીએ પાવન પાથેય પ્રદાન કરતાં કહ્યું કે, માનવજીવન દ્વારા મળેલું આ શરીર અશુદ્ધ,
અનિત્ય, અપ્રિય અને નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે. માનવને પાંચ જ્ઞાનેન્દ્રીય પ્રાપ્ત છે-શ્રોત્રેન્દ્રીય
(કાન), ચક્ષુરેન્દ્રીય (આંખ), ઘ્રાણેન્દ્રીય
(નાક), રસનેન્દ્રીય (જીભ) અને સ્પર્શેન્દ્રીય (ચામડી). માનવ કાનથી
સાંભળે છે, સાંભળીને તે સારું અને ખરાબ બંનેને ઓળખી શકે છે. માનવને
પોતાની શ્રવણ શક્તિનો સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાન દ્વારા સારા ભજનો,
જ્ઞાનમય વાતો, જિનશાસનથી પ્રાપ્ત પ્રેરણાઓ,
આચાર્યોની કલ્યાણમય વાણી વગેરે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ,
જ્યાંથી સારી વાતો પ્રાપ્ત થાય, એનો સ્વીકાર કરવો
જોઈએ અને તેને પોતાના જીવનવ્યવહારમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. નારણપર નીચલાવાસ સ્વામિનારાયણ
મંદિરના અગ્રણી જાદુભાઈ પટેલ, જૈન સમાજના અગ્રણી ચંદુભાઈ મહેતા,
ભોગીભાઈ શાહ, વિષ્ણુ સમાજના પ્રમુખ સુરેશભાઈ જોષી,
મંત્રી ભરતભાઈ ગોર, રાજાભાઈ રબારી, પટેલ સમાજના અગ્રણી વેલજીભાઈ પિંડોરિયા અને પૂર્વ સરપંચ મેઘજીભાઈ ભુડિયા,
નૂતન સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી કિશોરભાઈ પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્યે સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય અને સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ-સાધ્વી
તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં
તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા
અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તેવું મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.