ભુજ, તા. 18 : 45 દિવસ ચાલનારા વિશ્વપ્રસિદ્ધ
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં દિન-પ્રતિદિન શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધતો જ જોવા મળી રહ્યો
છે. મેળામાં આવતા ભક્તોની સુવિધાઓ અર્થે અનેકોઅનેક આર્થિક સંપન્ન શ્રેષ્ઠીઓ વિવિધ સેવાઓમાં
સહયોગી બની રહ્યા છે ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પરિવાર દ્વારા ઇસ્કોન મંદિર સંચાલિત
ભોજન-પ્રસાદ-ઉતારા સહિતની ઊભી કરાયેલી સુવિધામાં મુખ્ય ફાળો રહ્યો છે. ભોજન-પ્રસાદ-ઉતારા
સહિતની સુવિધા ઉપરાંત અદાણી પરિવાર તરફથી ભારતની જાણીતી ધાર્મિક પુસ્તકો પ્રસિદ્ધ કરતી
ગીતા પ્રેસ-ગોરખપુરના સહયોગ અને હનુમાન પ્રસાદ પોદારના સંપાદન હેઠળ 102 જેટલી વિવિધ દેવી-દેવતાઓને
આવરી લેતી આરતી સંગ્રહ નામની પુસ્તિકા પ્રસિદ્ધ કરીને કુંભમાં આવતા ભક્તોને વિતરણ કરાઇ
રહી છે. ઉદ્યોગપતિ ગૌતમભાઇ અદાણીએ પુસ્તિકાના છેલ્લા પાનાં પર કુંભ મેળામાં આવતા કલ્પવાસીઓ
અને શ્રદ્ધાળુઓ તથા અન્ય બધી પ્રબુદ્ધ ચેતનાઓને પ્રણામ કરીને કુંભને અદ્વિતીય પર્વને
સામાજિક એકતા અને ભારતની સંસ્કૃતિનું અનુપમ પ્રતીક કહ્યું છે. તેમણે ધાર્મિક અનુષ્ઠાન
સૌ માટે આંતરિક શુદ્ધિ અને આત્મ સાક્ષાત્કારનો સુગમ અવસર પણ છે. ઘેર ઘેર આરતીનું ગાન
થાય તેવા હેતુથી આ પુસ્તિકાને પ્રસિદ્ધ કરીને અદાણી પરિવારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પુસ્તિકાના પ્રારંભે જ માતા-પિતાની વંદના કરાઇ છે. હિન્દી ભાષામાં પ્રસિદ્ધ આરતી સંગ્રહ
પુસ્તિકા દેવી-દેવતાઓની સાથે લોકમાતા નદીઓની પણ વંદના કરાઇ છે. લાખો લોકોનાં ઘરમાં
આ પુસ્તિકા પહોંચે એ હેતુએ મેળાના જુદા જુદા સ્થળોએ પુસ્તિકાનું મફત વિતરણ કરતા સેવાભાવી
જોવા મળે છે. સંગ્રહમાં આરતી શું છે અને કેવી રીતે કરવી જોઇએ તે મંત્રો દ્વારા બતાવાયું
છે. આ ઉપરાંત આરતી મહિમાનું પણ ગાન કરવામાં આવ્યું છે.