ભુજ, તા. 4 : મેઘ તોફાનના કારણે કચ્છમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનું
નિરીક્ષણ કરવા બે દિવસથી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગઇકાલે
માંડવી બાદ અબડાસાનું નિરીક્ષણ કરી ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે,
રાજ્ય સરકારે કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરી સંવેદનશીલ બનીને રાહત-સહાય આપવી જોઇએ.
માંડવીના પેટ્રોલ પંપ પાસેથી કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા છે. વેપારીઓની રજૂઆત છતાં
નગરપાલિકા તંત્ર દ્વારા નાળા સફાઇ કરવામાં નહીં આવતાં લાકડાં બજારના વેપારીઓ ભોગ બન્યા
છે. શહેરના બાબાવાડી સહિતના અનેક વિસ્તારો છે જ્યાં આજેય પાણી ભરાયેલા છે. ગેરકાયદે
પ્લોટો પાડી વહેણ રોકવામાં આવ્યા છે તેને રોકવાનું કામ શાસકોનું છે પરંતુ ભાજપના રાજમાં
ભયમુક્ત ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હોવાનો આક્ષેપ કરીને સહાયમાં પણ અસરગ્રસ્તોની જાણે
મજાક કરવામાં આવી હોય તેમ ઘરવખરીના રૂા. 2500 અને મકાનને નુકસાનીના રૂા. 2500 ચૂકવાય
છે તેમાં સંવેદનશીલ બની સરકાર ઉદારતા દાખવે તેવી માંગ કરી હતી. અબડાસાના વાંકુ, લાલા,
જખૌ, કોઠારા, મોથાળા અનેક ગામોની મુલાકાત લીધા
બાદ વર્ણન કરતા જણાવ્યું હતું કે, જખૌમાં ખાનગી કંપનીઓની દાદાગીરીથી બનાવવામાં આવેલા
મીઠાના પાળાના કારણે ગામમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી. કોઠારામાં તળાવના પાણીના નિકાલ
માટે નાળા બનાવવાની વાત છે છતાં વરસો થઇ ગયા કામો થતાં નથી ને દર ચોમાસામાં કોઠારા
ગામમાં પાણી ફરી વળે છે. ખરેખર નિરીક્ષણ બાદ લોકોની વાતો સાંભળીને લાગે છે કે સરકાર
અને સ્થાનિક તંત્ર દ્વારા અમાનવીય કાર્ય કરવામાં આવે છે તે ન થવું જોઇએ. અબડાસાના મોથાળા
ગામે બે વર્ષ પહેલાં બનેલો પૂલનો અડધો ભાગ જ પાણીમાં તણાઇ?ગયો છે. ગ્રામજનોની અવર-જવર
બંધ થઇ ગઇ હતી છતાં જવાબદારો સામે કોઇ પગલાં નહીં એ જ બતાવે છે કે ભાજપના રાજ્યમાં
ભયમુક્ત ભ્રષ્ટાચાર કરો, કોઇને કંઇ નહીં થાય એમ શ્રી ગોહિલે પત્રકારોને સંબોધતાં જણાવ્યું
હતું. હદ તો ત્યાં થઇ ગઇ કે જે લોકોના પશુ મરણ થઇ?ગયા છે તેના મૃતદેહ માગવામાં આવે
છે. હવે ચાર-પાંચ દિવસ સુધી સહાય માટે કોઇ મૃતદેહ સાચવી બેઠા હોય ? ખરેખર આવા કિસ્સામાં
સંવેદનશીલ બનવું જોઇએ એવી મારી માગણી છે એમ જણાવ્યું હતું. ખેતીવાડીને વ્યાપક નુકસાન
છે. અમે ખેતરો સુધી ગયા કપાસ હોય કે તલ, નાળિયેર, કેળાં સહિતની ખેતીને મોટું નુકસાન
થયું છે છતાં સરકારનો નિયમ છે કે કેળાં અને પપૈયાનો જ સર્વે કરવો. આવા તઘલખી નિયમ ભાજપ
સરકાર બનાવી શકે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં આફતો આવી ચૂકી છે, નાગરિકોને સહાય
ચૂકવવામાં હંમેશા સંવેદનશીલ બનીને કામ કરવામાં આવ્યું છે એમ જણાવીને અન્યાય સામે અમે
પક્ષા-પક્ષીથી દૂર રહી અસરગ્રસ્તોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોતાનો અવાજ ઉઠાવશે એમ કહી
લીલા દુષ્કાળની જાહેરાત કરવા સરકારને અનુરોધ કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ?યજુર્વેન્દ્રસિંહ
જાડેજા, વી. કે. હુંબલ, આદમ ચાકી, નિતેશ લાલણ, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, ચેતન
જોષી, ભરત ગુપ્તા, ઘનશ્યામસિંહ ભાટી, અરજણ ભુડિયા, નવલસિંહ જાડેજા, સલીમ જત, કિશોરદાન
ગઢવી, ડો. રમેશ ગરવા, અંજલિ ગોર હાજર રહ્યા હતા. હાથ સે હાથ જોડો અભિયાનના ડો. શૈલેષ
જોષીની ટીમ હાજર રહી હતી.