• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

પુતિનની પધરામણી, વિશ્વને ભારતનો મજબૂત સંદેશ

વિશ્વ સ્તરે જેની આણ પ્રવર્તે છે તેવા રશિયાના સક્ષમ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાત એમ કહીએ કે, ભારતની પધરામણીએ વૈશ્વિક રાજકીય પ્રવાહોમાં જાણે પૂરની સ્થિતિ સર્જી દીધી છે, જો ટૂંકમાં સાર કહેવો હોય તો એમ કહી શકાય કે, `આ ભારતકોઈની વાતો કે ટેરિફ જેવી નીતિના અમલથી ડરતું નથી તેવો સ્પષ્ટ સંદેશ પુતિન મુલાકાત અને આપણાં વલણ ઉપરથી જગતને મળ્યો છે. ટ્રમ્પે અમલી બનાવેલા આકરા ટેરિફ, રશિયા ઉપર લાગેલા પ્રતિબંધોની સ્થિતિમાં આ મુલાકાત અનેક રીતે મહત્ત્વની રહી. 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, ત્યારથી વિશ્વના અનેક દેશો સાથે ભારતના સંબંધોમાં નવા પરિમાણ ઉમેરાયા, જ્યાં સંબંધનાં મૂળિયાં નખાયાં હતાં તે વધારે વિકસ્યા-ખીલ્યાં. રશિયા અને યુક્રેન બન્ને એમ કહે કે, ભારત - મોદી કહે તો યુદ્ધ રોકી દઈએ તે પણ ઘણી મોટી વાત છે. ભારતની અને વિશેષત: નરેન્દ્ર મોદી માટેની સ્વીકૃતિનો આ ઉજ્જવળ પુરાવો છે. વિશ્વના મોટા-મોટા દેશોના સંબંધ રૂસ સાથે સારા નથી તે સમયે તેમને ભારત તેડાવવા તે બાબત પણ પડકારજનક નીવડી શકે. 23માં ભારત-રશિયા શિખર સંમેલન માટે રશિયન પ્રમુખ પુતિન ચાર વર્ષ બાદ ભારત આવ્યા. બન્ને દેશ વચ્ચે થયેલી ચર્ચાના અંતે વેપાર-ઉદ્યોગ સહિતના ક્ષેત્રોની દિશા નક્કી થઈ છે. 100 અબજ ડોલરને બન્ને દેશનો વેપાર આંબી જશે તેવું લક્ષ્ય નક્કી થયું છે. રશિયાની વિવિધ કંપનીઓ ભારત પાસેથી સામાન ખરીદવા ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું કે, ટેક્સટાઈલ, ઈ.વી. સહિતના ક્ષેત્રોમાં ભારત અને રશિયા માટે પરસ્પર અગત્યની તકો છે. બન્ને દેશની મિત્રતાને વડાપ્રધાને ધ્રુવ તારા જેવી એટલે કે, અવિચળ ગણાવી. રશિયન પ્રવાસીઓ માટે 30 દિવસના ઈ-વિઝાનું મોદીનું એલાન પણ મહત્ત્વનું છે. ખાદ્યસુરક્ષા અને માપદંડ, સમુદ્રી સહયોગ, સ્વાસ્થ્ય સેવા સહિતના મુદ્દે થયેલી સમજૂતીઓ ભારતના વિકાસલક્ષી અભિગમના અનુસંધાને પણ ઘણી અગત્યની છે. પુતિનની આ મુલાકાત ઔપચારિક નહીં, પરંતુ અનેક રીતે ઉપયોગી નીવડશે તેવી આશા રાખવાનું જરા પણ અસ્થાને નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે એવી ચર્ચા છે કે, પુતિનની પધરામણીથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ નારાજ થયા હોય એવું બની શકે. છેલ્લા ઘણા સમયથી તેમનું ભારત પ્રત્યેનું વલણ વિચિત્ર તો હતું જ. હવે જ્યારે મોદીએ પુતિનનાં આગમનની સાથે જ તેમને જે રીતે આલિંગન આપ્યું છે તે જોતાં ટ્રમ્પ સમસમી ન જાય તો જ નવાઈ. આ પણ ઘણી રીતે અગત્યની બાબત છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતનો વિકાસ જાદૂઈ વિકાસ છે. તેમનું આ વિધાન ભારત વિરોધી દેશોને ચૂપ કરવા માટે પર્યાપ્ત છે. ભારતની અંદર જે વિપક્ષો સતત વિકાસવિરોધી વાતો કરે છે તેમના માટે પણ તે ઘણું સૂચક છે. અમેરિકાની નારાજગી, તેના સૂચિત પરિણામો સહિતના અનેક મુદ્દાઓ છે, જો કે, વિદેશમંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે, છેલ્લાં 70-80 વર્ષમાં વિશ્વએ અનેક ઉતારચડાવ જોયા છે, પરંતુ ભારત અને રૂસના સંબંધો તમામ સ્થિતિમાં મજબૂત રહ્યા છે. વિદેશમંત્રીની આ વાત ઐતિહાસિક સ્તરે અંકાયેલી છે. 1962માં ભારતને સોવિયેત સંઘે મિગ-21 યુદ્ધ હવાઈજહાજ આપ્યાં હતાં. વિશ્વ સ્તરના મંચ ઉપર ભારતને સોવિયેત સંઘે કુટનીતિક સમર્થન આપ્યું છે. 1990માં સોવિયેત સંઘનાં વિસર્જન બાદ પણ રશિયા સાથે ભારતના સંબંધો મજબૂત રહ્યા હતા. રક્ષાનીતિ અને તે સિવાય પણ રશિયા સાથે ભારતના સંબંધો સાનુકૂળ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને વ્લાદિમીર પુતિન આ પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છે. આ બે દેશ ભવિષ્યમાં વિશ્વની રાજકીય દિશા અને ગતિ નક્કી કરે તો પણ આશ્ચર્ય પામવા જેવું નહીં હોય.

Panchang

dd