• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ચીને યુદ્ધ વિમાનને `રડાર લોક' કરતા જાપાન ઉશ્કેરાયું

નવી દિલ્હી, તા. 7 : યુદ્ધ વિમાન ઉપર મિસાઇલ લોક લગાડવાના મુદ્દે જાપાન અને ચીન સામસામે આવી ગયા છે. ચીની વિમાનવાહક યુદ્ધજહાજ લિયાઓનિંગથી ઉડાન ભરનારા એક સૈન્ય વિમાને જાપાનના ઓકિનોવા પાસે જાપાની યુદ્ધ વિમાન ઉપર પોતાનું રડાર લોક કરી દીધું હતું. જેને લઈને જાપાને ચીન સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. રડાર લોક એટલે કે કોઈ સૈન્ય વિમાન દ્વારા બીજા વિમાન અથવા લક્ષ્ય ઉપર એવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું કે તેનાથી સચોટ સ્થિતિ, ગતિ અને દિશા ઉપર સતત નજર રાખી શકે. બીજી તરફ ચીને આરોપો ફગાવ્યા હતા અને જાપાન ફ્રન્ટ લાઇન ઉપર ગતિવિધિ કરતું હોવાનો દાવો કર્યો હતો. જાપાનના રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ચીનના સૈન્ય વિમાન જે -15એ શનિવારે બે અલગ અલગ સમયે જાપાની એફ-15 યુદ્ધ વિમાન ઉપર પોતાનું રડાર લોક કર્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે એક વખતે બપોરે લગભગ ત્રણ મિનિટ માટે અને પછી સાંજના સમયે 30 મિનિટ સુધી રડાર લોક થયું હતું. ચીની વિમાને એવા જાપાની વિમાન ઉપર રડાર લોક કર્યું હતું જેણે ચીન તરફથી હવાઈ ક્ષેત્રના સંભવિત ઉલ્લંઘન સામે પ્રતિક્રિયા આપી હતી. આ મામલે જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઈજુમીએ કહ્યું હતું કે, બનાવ મુદ્દે ચીન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે કૃત્યને ખતરનાક ગણાવતા કહેવામાં આવ્યું છે કે ચીનની હરકત સુરક્ષિત વિમાન સંચાલનના નિયમોની વિરુદ્ધ છે. આવી ઘટના બનવી નિંદનીય છે. વધુમાં ચીનને આવી ઘટનાઓ રોકવા કહેવામાં આવ્યું છે. બીજી તરફ ચીને જાપાનના આરોપોને ફગાવતા કહ્યું હતું કે સામાન્ય અભ્યાસ ચાલી રહ્યો હતો. ચીને અગાઉ જ યુદ્ધ અભ્યાસ અંગે જાણકારી આપી દીધી હતી. તેમ છતાં જાપાન દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. જાપાન તત્કાળ ફ્રન્ટ લાઇન ઉપર ગતિવિધિ બંધ નહીં કરે તો આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ કાર્યવાહી કરવામાં આવશે.

Panchang

dd