• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

વીજ, પાણી, રસ્તાકામો સહિતનાં કાર્યો માટે રજૂઆત

નખત્રાણા, તા. 7 : તાલુકા પ્રાંત અધિકારી કચેરી ખાતે નખત્રાણા તાલુકા સંકલન ફરિયાદની ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં મદદનીશ કલેકટર ઉત્કર્ષ ઉજ્વલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં પાણી, વીજ, એસ.ટી. બસ, રસ્તા કામ સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ હતી. પ્રારંભે શિવજી પાયણે સ્વાગત પ્રવચન કર્યું હતું. મામલતદાર રાકેશભાઇ પટેલે પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા વર્કઓર્ડર અપાયેલા રસ્તાકામો સત્વરે પૂર્ણ કરવા ખેડૂતોને વીજ જોડાણ, સોલાર પ્લાન્ટના અરજદારોને વીજ કનેકશન આપવા સહિતની કામગીરી પૂર્ણ કરવા ધારાસભ્ય દ્વારા તાકીદ કરાઇ હતી. એસ.ટી. બસ સુવિધાની નિયમિતતા હેતુ સૂચનો કર્યાં હતાં. જમીન માપણી સંબંધિત, નગરપાલિકા કચેરી નિર્માણ માટે સંકુલ નિર્માણની રજૂઆતના પ્રતિસાદમાં દરખાસ્તની પ્રક્રિયા ગતિમાં હોવાનું જણાવ્યું હતું. ન.તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલ દ્વારા લેખિત પત્રમાં નાની સિંચાઇ યોજનાના ડેમની કેનાલોની સફાઇ કરવા જણાવાયું હતું. સ્મશાનમાં ગેસ સગડી કાર્યરત કરવા, વિરાણી માર્ગ પર વરસાદી પાણીના નાળાંનું કામ, લાયબ્રેરી સહિતના નગરપાલિકા હસ્તક કામો સત્વરે પૂર્ણ કરવા એટીવીટી સદસ્ય દિલીપભાઇ નરસિંગાણીએ રજૂઆત કરી હતી. મંગવાણામાં વીજ સમસ્યા અંગે ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ રજૂઆત કરી હતી. નેત્રા, નાગવીરી, રામપર સહિતના ગામમાં બસની અનિયમિતતા વિશે દિનેશભાઇ વાઘેલાએ રજૂઆત કરી હતી. નખત્રાણામાં વૃક્ષારોપણની માવજતના અભાવે કામો નિરર્થક ગયા હોવાની ફરિયાદ સાથે તપાસની માંગ કરાઇ હતી. શ્રી ઉજ્વલે સત્વરે ગૌચર જમીન દબાણની માપણી કરવા, પાણી, વીજ, બસ સેવા-રસ્તા કામ પૂર્ણ કરવા સહિતની રજૂઆતો પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સંકલન મિટિંગમાં લેખિત રજૂઆત માટે સૂચના અપાઇ હતી. બેઠકમાં તા. વિ. અધિકારી દીક્ષિત ઠક્કર, પી.એસ.આઈ. આર. બેગડિયા, મહિલા બાળવિકાસના શાંતાબેન પરમાર, તા. આરોગ્ય અધિકારી ડો. એ.કે. પ્રસાદ, નગરપાલિકાના જયંત લિંબાચિયા, વનરાજસિંહ બીઓલ, બી.ડી. પ્રજાપતિ, ચેતન બોરડ, મયૂર પટેલ, ધવલ દેસાઈ, દીક્ષિત પ્રજાપતિ તથા ઈશ્વર મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd