નારાણપર, તા. 7 : 21મી
સદી જ્ઞાનની સદી છે એ સાર્થક કરવા અને નવી પેઢીનો વાંચનમાં રસ કેળવવાના હેતુથી
તાલુકાના નારાણપરમાં ચાલતી મહિલા પુસ્તક પરબ અને ઝોલા પુસ્તક પરબની પ્રવૃત્તિને
વેગ આપવા ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, નારાણપરના સંયુક્ત
ઉપક્રમે ગ્રંથયાત્રા યોજાઇ હતી. નૂતન સરસ્વતી વિદ્યાલયના પ્રમુખ અરજણભાઇ પિંડોરિયા,
મંત્રી શિવજીભાઇ વેકરિયા, ટ્રસ્ટી શામજીભાઇ
પિંડોરિયા, કિશોરભાઇ પિંડોરિયા, વેલજીભાઇ
પિંડોરિયા, પ્રમુખ રસનિધિભાઇ અંતાણી, દિનેશ
ઠક્કર, નીલમ પોમલ તથા શાળા પરિવાર દ્વારા પુસ્તકોની છાબને
વધાવી ગ્રંથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ઘેર-ઘેર, દુકાને-દુકાને
ગ્રંથયાત્રાને વધાવવાની અપીલ સાથે છાત્રાઓ બેન્ડના સૂર રેલાવતી આગળ વધી હતી. મા
સરસ્વતીના વેશમાં શાળાની છાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. સ્વામિનારાયણ કન્યા શાળાની
300 છાત્રા અને નૂતન સરસ્વતી વિદ્યાલયના 200 બાળકો
શાળા પરિવાર સાથે `માતા વાંચે-બાળક વાંચે',
`વાંચે
કચ્છ વિકસે' જેવા
સૂત્રો સાથે માર્ગો પરથી ગ્રંથયાત્રા અગ્રેસર થઇ હતી. મેઘજીભાઇ ખેતાણી પરિવાર તથા
માજી સરપંચ મેઘજીભાઇ ભુડિયાએ ગ્રંથયાત્રાના વધામણા કર્યા હતા. દોઢ કલાકની
ગ્રંથયાત્રા બાદ શાળા પ્રાંગણમાં પહોંચી હતી. ઇન્સ્ટિટયૂટ
ઓફ યુથ ડેવલપમેન્ટની પ્રેરણાથી વર્ષાબેન જોષીના માર્ગદર્શન હેઠળ ગ્રંથયાત્રાને સફળ
બનાવવામાં શાળા પરિવાર, ગ્રંથસારથિઓએ જહેમત ઉઠાવી હતી. સંયોજક જિજ્ઞા જોષી રહ્યા હતા.