નવી દિલ્હી, તા. 7 : છેલ્લા
છ દિવસથી જારી સંકટ વચ્ચે રવિવારે પણ 650થી વધુ ઉડાન રદ થઈ હતી, ત્યારે કેન્દ્ર સરકારે
ઈન્ડિગોને નોટિસ આપીને એરલાઈન સામે કાર્યવાહી શા માટે ન કરવી તેનો જવાબ માગ્યો
હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક તરફથી ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને અન્ય
અધિકારીઓને કારણદર્શક નોટિસ અપાઈ હતી અને 24 કલાકની અંદર જવાબ આપવા જણાવાયું
હતું. દરમ્યાન ઈન્ડિગોએ રવિવારે સાંજ સુધી રૂા. 610 કરોડનું રિફન્ડ મુસાફરોને ચૂકવી
દીધુ હતું અને ત્રણ હજારને સામાન સોંપ્યો હતો. દરમ્યાન સંસદીય સમિતિએ ઈન્ડિગો અને
ડીજીસીએના ટોચના અધિકારીઓને બોલાવીને પૂછતાછ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ
કોંગ્રેસે આ ઉડાન સંકટને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે. છેલ્લા છ દિવસમાં
ઈન્ડિગોની કુલ ત્રણ હજાર ઉડાન રદ થતાં દેશમાં હવાઈ પરિવહનને ખરાબ અસર થઈ હતી. લાખો
યાત્રીઓ પરેશાન થઈ જતાં સરકારે ઈન્ડિગો સામે કડક પગલાંની તૈયારી કરી લીધી છે.
ઈન્ડિગો તરફથી સમયસર જવાબ નહીં મળે તો કેન્દ્ર સરકાર વતી નાગરિક ઉડ્ડયન
મહાનિર્દેશક (ડીજીસીએ) એકતરફી ફેંસલો લઈ શકશે. દરમ્યાન, ઈન્ડિગોએ છ દિવસથી જારી
વિકટ પરિસ્થિતિ વચ્ચે રવિવારે જણાવ્યું હતું કે, 10મી
ડિસેમ્બર સુધીમાં એરલાઈનની ઉડાનોનું પરિચાલન સ્થિર થવાની આશા છે. દિલ્હી, ચેન્નાઈ, જયપુર, હૈદરાબાદ, ભોપાલ,
મુંબઈ, ત્રિચીથી રવાના થનારી 650થી વધુ
ઉડાન રવિવારે પણ રદ કરવી પડી હતી.