• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

અંતરિક્ષમાં પણ ભારત-રૂસની મિત્રતા

નવી દિલ્હી, તા. 7 : આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (આઇએસએસ)ની સફર 2030-31 સુધીમાં ખતમ થવાની છે. ત્યારબાદ ભારત અને રશિયાએ ભવિષ્યમાં પોતાના અવકાશ મથકને એક જ સ્ટેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે. આ ઘોષણા રશિયાની અંતરીક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીના પ્રવાસ દરમિયાન કરી હતી. તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત પહોંચ્યા હતા. બંને સ્પેસ સ્ટેશન 51.6 ડિગ્રીની કક્ષામાં ચક્કર કાપશે. આ કક્ષામાં વર્તમાન સમયે આઇએસએસ ફરી રહ્યું છે. જેનાથી બંને દેશના અંતરીક્ષ યાત્રી સરળતાથી એક-બીજાના સ્ટેશને જઈ શકશે અને વૈજ્ઞાનિક પ્રયોગ કરી શકશે. તેમજ ઇમર્જન્સીની સ્થિતિમાં મદદ લઈ શકશે. બકાનોવે કહ્યું હતું કે, આ નિર્ણય બંને દેશ માટે પરસ્પર લાભનો બનશે. આ પહેલા રશિયાએ પોતાના રશિયન ઓર્બિટલ સ્ટેશનને 96 ડિગ્રીની કક્ષામાં સ્થાપિત કરવાનો વિચાર કર્યો હતો. જો કે, બાદમાં 51.6 ડિગ્રીની સહમતિ બની છે.

રશિયાનું આરઓએસ : રશિયન સ્પેસ સેન્ટર એનર્જિયા દ્વારા વિકસીત થશે. આ સ્ટેશન અંતરિક્ષમાં જ અંતરિક્ષ યાન બનાવવા અને તેને લોન્ચ કરવાનો આધાર બનશે. જેની મોડયુલર ડિઝાઈન એવી હશે જે લાંબા સમય સુધી કામ કરવાને લાયક રહેશે.

ભારતનું બીએએસ : ઈસરો દ્વારા સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં પૂરું કરવાની યોજના છે. પીએમ મોદીએ સ્વતંત્રતાના 100મા વર્ષ પહેલા ચંદ્રયાન-3 જેવી સફળતાઓ બાદ આ ઘોષણા કરી હતી.

એક જ કક્ષા કેમ ? : 51.6 ડિગ્રી ઉત્તર-દક્ષિણ અક્ષાંશને કવર કરે છે. જેનાથી રશિયાનું સોયુઝ રોકેટ અને ભારતનું ગગનયાન મિશન સરળતાથી ડોકિંગ કરી શકશે. તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ વધશે.

આરઓએસનું નિર્માણ : પહેલું વૈજ્ઞાનિક અને પાવર મોડયુલ 2028મા લોન્ચ થશે. બાકીના ચાર મુખ્ય મોડયુલ 2030 સુધીમાં બનશે તેમજ 2031-33મા અન્ય મોડયુલ જોડાશે. ખરુનિચેવ સેન્ટરને ત્રણ મોડયુલ માટે અંગારા-એ5 એમ રોકેટ ઓર્ડર આપવામાં આવ્યો છે.

બીએએસનું નિર્માણ : ઈસરો દ્વારા સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે. હાલમાં જ સ્પેડેક્સ સેટેલાઇટના ડોકિંગની સફળતા બાદ ભારત ચોથો દેશ બન્યો હતો, જેણે આ ટેકનિક મેળવી છે.

આઈએસએસનો અંત : 2030-31માં બંને દેશ આઈએસએસથી અલગ થઈ જશે. રશિયા પહેલાં જ ઘોષણા કરી ચૂક્યું છે કે, તે આઇએસએસ માટે અમેરિકાનો સાથ આપશે નહીં.

Panchang

dd