કેન્દ્ર સરકારે ભાડાં કરાર
માટેના નવા કાયદાનો અમલ શરૂ કરીને મધ્યમવર્ગને, ઘરનું ઘર ન ધરાવતા નાગરિકોને રાહત આપી છે.
કાયદામાં મકાન-મિલકતમાલિકોને કોઈ નુકસાન કે અન્યાય નથી, પરંતુ
ભાડુઆતને ફાયદો છે. આમ તો અલબત્ત, ઘરના ઘરની સંખ્યા જ આ
સરકારના અગિયાર વર્ષના શાસનમાં ઘણી વધી ગઈ છે, છતાં ભાડુઆતો
માટે પણ આ નવો કાયદો અમલી બન્યો તે સારી બાબત છે. તેમના અધિકાર વધ્યા છે. ભાડુઆત
અને મકાનમાલિકો વચ્ચે વિવાદો અનેક રીતે થતા રહેતા હોય છે. અત્યાર સુધી જે
કાયદો-નિયમ અમલમાં છે તેમાં રહેલી ક્ષતિઓનું નિવારણ નવા એક્ટમાં થયું હશે તેવી આશા
છે. રેન્ટ એગ્રિમેન્ટ એક્ટનો અમલ થઈ ગયો છે. હવે મકાનમાલિક ભાડાં વધારામાં મનમાની
કરી નહીં શકે. ભાડાંની સમજૂતી થાય તે પછીના બે માસની અંદર નોંધણી કરાવવાનું
ફરજિયાત બનાવાયું છે. નવા કાયદામાં સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે, 5000થી
વધારે જો ભાડું હશે તો ભાડાંની ચૂકવણી ડિજિટલી થવી જરૂરી છે, જેથી રોકડ વ્યવહાર ઉપર
નિયંત્રણ આવી શકે, વિવાદ ન થાય. ભાડું 50,000થી
વધારે હોય તો ટીડીએસ લાગુ થશે. અત્યારે કોઈ મકાન ભાડે રાખે તો માલિક સિક્યોરિટી
પેટે રકમ લે છે. હવે નવા કાયદા અનુસાર બે માસથી વધારે સિક્યોરિટી ડિપોઝિટ લઈ નહીં
શકાય. મકાનમાં તપાસ માટે આવતાં પહેલાં 24 કલાક અગાઉ મકાનમાલિકે નોટિસ આપવી
પડશે. આ કાયદાને લીધે ભાડુઆતના અધિકાર વધ્યા છે. ડિપોઝિટની રકમમાં ઘટાડો, ભાડાં વધારા ઉપર
નિયંત્રણ જેવી જોગવાઈ સારી છે. દેશના મહાનગરોમાં નોકરી, વ્યવસાય
માટે જતા લોકો, પરિવારો ભાડે ઘર રાખે છે. પારિવારિક-પૈતૃક ઘર
હોય તો પણ તેઓ અન્ય શહેરમાં તો ભાડાંનાં મકાનમાં રહે. એક રૂમ-રસોડુંવાળા સામાન્ય
મકાન-ફ્લેટથી લઈને બેન્ક કે અન્ય ક્ષેત્રના અધિકારી વર્ગ ત્રણ રૂમવાળા ફ્લેટમાં
રહેતા હોય તેવા અનેક દૃષ્ટાંત છે. આ તમામને નવા કાયદાથી રાહત થશે. ઘરના ઘર સરકાર
આપે છે તે આર્થિક રીતે ઓછા સક્ષમ લોકોને આપે છે, બીજી તરફ
મોટાં શહેરોમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ભાવ વધારે છે. નોકરિયાત-મધ્યમવર્ગ વિશેષત:
નિજી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફ્લેટ કે મકાન ખરીદવાનું સહેલું નથી. તેઓ
ભાડાંનાં મકાનમાં રહે છે. આવા લોકો માટે પણ આ નવો કાયદો આશીર્વાદરૂપ નીવડશે.
કોર્ટના વિવાદો ઘટશે. ભાડુઆતને મકાન ખાલી કરાવવા માટે ડરાવવા, ધમકાવવા, વીજળી કે પાણીનું જોડાણ કાપવાની ચેષ્ટા ઉપર
કાનૂની કાર્યવાહી થશે. ઘરનું ઘર આપવા સતત પ્રયત્નશીલ સરકારે ભાડાંના ઘર માટે પણ
સારી ચિંતા કરી છે. દેશમાં અમલી અનેક કાયદાની જેમ અહીં પણ એ જ કહેવાનું રહે કે
કાયદો જેટલો સારો છે તેટલો ચુસ્ત તેનો અમલ થાય તે જરૂરી છે.