નલિયા, તા 7 : અબડાસા
તાલુકાના મુખ્ય મથક નલિયાથી જખૌ બંદરને જોડતા વ્યસ્ત માર્ગ પર જસાપર ગામ પાસે અને
નલિયા નજીક આવેલા પુલીયા પાસેનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા
વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભયજનક સ્થિતિને કારણે
ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. નલિયાથી જખૌ સુધીનો માર્ગ ડબલ ટ્રેક અને
ડામરવાળો હોવાથી રસ્તો સારો હોવાને કારણે
અહીંથી પસાર થતા વાહનો સ્વાભાવિક રીતે ફૂલ સ્પીડમાં ગતિ કરતા હોય છે. પરંતુ, મુસીબત ત્યારે સર્જાય છે
જ્યારે જસાપર અને નલિયા પુલીયા પાસે અચાનક જ ખરાબ અને તૂટેલો રસ્તો આવી જાય છે.
ઝડપભેર આવતા વાહનચાલકોને અચાનક આવતા આ બિસ્માર માર્ગનો અંદાજ રહેતો નથી, જેના કારણે એકાએક બ્રેક મારવી પડે છે અથવા વાહનનું બેલેન્સ ખોરવાઈ જાય છે.
આ પરિસ્થિતિને લીધે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય રહેલો છે. સારો
હાઈવે હોવા છતાં માત્ર પુલીયા પાસેના થોડા ભાગમાં પડેલા ગાબડાઓને કારણે નિર્દોષ
વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ
જોયા વગર, તાત્કાલિક ધોરણે આ બિસ્માર રસ્તાનું રિપેરીંગ કામ
હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.