• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

નખત્રાણા તાલુકાનાં ઘેટાં-બકરાંમાં રોગચાળો વકરતાં ઉચાટ

રવાપર (તા. નખત્રાણા), તા. 7 : નખત્રાણા તાલુકાનાં ગામડાંઓમાં છેલ્લા કેટલાક સમયથી ઝીણા માલધારીઓ માટે ચિંતાનું કારણ બનેલી લાક્ષણિક પશુ બીમારીએ માથું ઊંચક્યું છે. દેશલપર (ગુંતલી), જીંજાય, રવાપર, નાની બન્ની સહિતના વિસ્તારોમાં ઘેટાંઓમાં આ અજાણી લક્ષણોવાળી બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ ઘેટાં-બકરાંઓમાં મોઢાંમાં ચાંદા પડવા, ફીણ આવવા, ચાલવામાં-ઊઠવામાં લાચાર થવા જેવાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ અંગે જાણ થતાં  નેત્રાના પશુ ચિકિત્સક અબ્દુલભાઈ કાદિર મકવાણા અને નિરોણાના પશુ તબીબ નકુલ કટારા પોતાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોના વાડાઓમાં તાત્કાલિક દોડી ગયા હતા. બંને તબીબે દેશલપર (ગુંતલી) અને નાની બન્નીના પ્રભાવિત વિસ્તારોમાં રૂબરૂ તપાસ કરી પ્રાથમિક સારવાર આપી અને માલધારીઓને જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  પશુ તબીબ ડો. અબ્દુલ કાદિરે જણાવ્યું કે, નખત્રાણા તાલુકાનાં અનેક ગામોમાં છેલ્લા પંદરેક દિવસથી ફરીને રોગચાળાની ચકાસણી અને સારવાર કાર્ય ચાલુ છે. સૌથી વધુ કેસ દેશલપર (ગુંતલી) અને નાની બન્ની વિસ્તારમાં નોંધાયા છે. સમયસરની સારવાર મળતાં  સ્થિતિ થાળે પડી રહી છે. જો કે, અમુક વિસ્તારોમાં થોડો મરણદર પણ નોંધાયો છે. રવાપર વિસ્તારની પણ મુલાકાત લઇ ત્યાંના બીમાર પશુઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ લાક્ષણિક બીમારી ખાસ કરીને ઘેટાંઓમાં વધારે પ્રમાણમાં, જ્યારે બકરાંઓમાં સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. નખત્રાણા તાલુકામાં પશુપાલકો અને માલધારીઓને હાલ સાવચેતી, સફાઈ અને બીમાર પશુઓને અલગ રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે.

Panchang

dd