દેશમાં 12 રાજ્યમાં
મતદારયાદીની હાથ ધરાઈ રહેલી ખાસ સુધારણા એસઆઈઆરની સામે ભારે ઉહાપોહ જગાવી રહેલા વિરોધપક્ષોના
કારસાને ન્યાયતંત્રે વધુ એક વખત વિફળ બનાવતો આદેશ આપ્યો છે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતના
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેંચે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ એસઆઈઆર સહિતના અન્ય બંધારણીય કામો કરવા માટે બંધાયેલા
છે. સાથોસાથ રાજ્ય સરકારોની પણ જવાબદારી બને છે કે, તેઓ એસઆઈઆરની
કામગીરી માટે ચૂંટણીપંચને કર્મચારીઓ પૂરા પાડે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ પરથી સ્પષ્ટ
છે કે, એસઆઈઆરની કામગીરી હવે અટકશે નહીં. સાથોસાથ અદાલતે આપેલા
આદેશમાં મહત્ત્વની બાબત એ છે કે, એસઆઈઆરની કામગીરી સંભાળતા બૂથ
લેવલ ઓફિસર (બીએલઓ)ની ઉપર કામગીરનાં ભારણને ઓછું કરવા સરકારોએ વધુ કર્મચારીઓને નિયુક્ત
કરવા વિચાર કરવો જોઈએ. આશા જાગી છે કે, હવે બીએલઓ ઉપરનાં દબાણને
હળવું કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એસઆઈઆરને લગતી
કામગીરી સાથે જોડાયેલા 29 જેટલા
બીએલઓનાં મોત થયાં છે. ચૃંટણીપંચે પણ આ જટિલ કામગીરીની સમયમર્યાદા 30મી નવેમ્બરથી એક સપ્તાહ માટે વધાર્યા બાદ હવે જાહેરાત
કરી છે કે, આખરી મતદારયાદી 14મી
ફેબ્રુઆરી સુધી જાહેર કરી દેવાશે. સર્વોચ્ચ અદાલતના આ તાજા આદેશને એસઆઈઆર સામે વાંધો
ઉઠાવી રહેલા વિપક્ષને મોટા આંચકા સમાન ગણી શકાય તેમ છે. અદાલતે સાથોસાથ એમ પણ સ્પષ્ટ
કર્યું છે કે, એસઆઈઆર હાથ ધરવાના ચૂંટણીપંચના અધિકારોને પડકારી શકાય નહીં.
સાથોસાથ ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થા છે અને તેની પાસે આવી કામગીરી કરવાના કાયદાકીય
અને બંધારણીય અધિકાર છે. જો કે, વિપક્ષી આશંકાને ધ્યાને લઈને
કોર્ટે એમ પણ કહ્યંy કે, આ કામગીરીમાં કોઈ ગેરરીતિ કે ભૂલ જણાશે તો તેને સુધારવાનો આદેશ પણ તે આપશે.
રાજદના સાંસદ મનોજ ઝાની અરજી પર સર્વોચ્ચ અદાલતને આ બેંચે કહ્યંy કે, એસઆઈઆરની જરૂરત સામે સવાલ ઉઠાવવાનારાઓની
દલીલમાં દમ નથી. સાથોસાથ મુખ્ય ન્યાયાધીશે એમ નોંધ્યું કે, મતદારયાદીને
શુદ્ધ અને ક્ષતિરહિત રાખવાની જવાબદારી બંધારણીય જવાબદારી ચૂંટણીપંચની છે, તેને આ માટે પગલાં લેતાં રોકી શકાય નહીં. વળી એસઆઈઆરની સામે કોઈ નક્કર ફરિયાદ
હજી સામે આવી નથી એટલે તેને રોકવાનો કોઈ સવાલ થતો નથી. ખેરખર જો કંઈ સાચી ફરિયાદ કે
ગેરરીતિની વિગતો સામે આવશે તો તુરંત દરમ્યાનગીરી કરવાની અદાલતે તૈયારી બતાવી છે. આમ
તો સર્વોચ્ચ અદાલતે આખા મામલાને આગળની તારીખ આપી છે. કોઈ ચુકાદો પણ આપ્યો નથી,
પણ ગુરુવારનો આદેશ અદાલતનાં વલણને સ્પષ્ટ કરે છે. ખાસ તો એસઆઈઆરને તત્કાળ
રોકવાના વિપક્ષના ઈરાદાને આ અદાલતે આદેશે મોટો આંચકો જરૂર આપ્યો છે.