ભુજ, તા. 7 : વાલીએ
મોંઘો મોબાઈલ ભાડે લેવાની ના પાડતાં ઝારખંડનો નવયુવાન રૂસ્તમ શેખ ગઈકાલે સાંજે કુકમાની
વાડીમાં બંધ પડેલા નગરપાલિકાના બોરમાં કૂદી પડયો હતો. વહીવટી તંત્ર અને રેસ્ક્યૂ ટીમની
ભારે જહેમત બાદ રાત્રે ત્રણેક વાગ્યે તેને બોરમાંથી બહાર કઢાયો હતો, પરંતુ તબીબે મૃત ઘોષિત કર્યો હતો. આ આખા ઘટનાક્રમ અંગે આજે ડીવાય.એસ.પી. એમ.જે.
ક્રિશ્ચિયને પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, કુકમાથી
આશાપુરા મંદિર તરફ જતાં ગોપાલભાઈ આહીરની વાડીની બાજુમાં, નગરપાલિકાના
બંધ બોરમાં પડી ગયાની વિગતો પોલીસ સમક્ષ પહોંચતાં પદ્ધર પોલીસ તથા બોરવેલ સ્ટાફ,
જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય ટીમ અને નગરપાલિકાની
ફાયર ટીમ ધસી ગઈ હતી. પોલીસે આર્મીના બ્રિગેડિયરને વાત કરતાં આર્મીની રેસ્ક્યૂ ટીમ
તેના આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે આવીને 140 ફૂટ
ઊંડા બોરવેલમાં ઓક્સિજન પહોંચાડી ભારે જહેમત બાદ રાત્રે ત્રણેક વાગ્યે યુવાનને બહાર
કઢાયો હતો અને તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પાછળનાં કારણ અંગે પૂછતાં શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું
હતું કે, ઘટનાસ્થળે સંબંધિતોએ આપેલી વિગતો મુજબ દાડમના કટિંગનું કામ
કરતો 17 વર્ષ અને 10 માસનો મૂળ ઝારખંડનો યુવાન રૂસ્તમ મકસુદ શેખે ગઈકાલે
સાંજે તેના માતા-પિતાને મોંઘો મોબાઈલ ભાડે લેવા અંગે વાત કરતાં વાલીએ ના પાડતાં તે
ગુસ્સે થઈ પોતાનો હાથમાંનો મોબાઈલ જમીન પર પટકી બંધ બોરમાં કૂદ્યો હતો. આ બનાવ અંગે
પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.