• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ધ્યાન વિના અધ્યાત્મ અધૂરું

ભુજ, તા. 7 : અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા આયોજિત ગીતાજયંતી મહોત્સવ-2025ના અંતિમ દિવસે  પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી સુબોધમુનિજીએ ભજનની પ્રસ્તૃતિથી ઉપસ્થિતોને ધર્મવિભોર કર્યા હતા. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં `પ્રેક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો' પર સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, ધ્યાન વિના અધ્યાત્મ અધૂરું છે. આધ્યાત્મ યાત્રામાં મન મુખ્ય છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. જાગૃત મન સાથે વ્યવહાર સરળ છે, પરંતુ અર્ધજાગૃત મનને કોઈ પણ વસ્તુ સ્વીકૃત કરવા એક જ વાતનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે. સ્વામીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, અર્ધજાગૃત મન જ વ્યક્તિના ચહેરાની પ્રતિકૃતિ છે. ધ્યાન અર્ધજાગૃત મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે. આ પ્રસંગે લાઇફ સ્ટાઇલ પર માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, સાંજનું ભોજન 6.30 સુધીમાં કરી લેવામાં આવે, તો જીવનમાં જેટલા પણ રોગો છે, તેના સામે આપણે પણ પ્રતિકાર કરી શકીએ છીએ. કાર્યક્રમના અંતે ગીતાજીની આરતી અને રાષ્ટ્રગાનનું પઠન કરાયું હતું. મહોત્સવના છઠ્ઠા દિવસે વિપુલ સાધુ અને શાંતિદાસ સાધુ દ્વારા સુંદરકાંડનું પઠન કરાયું હતું. સમગ્ર મહોત્સવના ભોજન મહાપ્રસાદના દાતા વીણાબેન નવીનભાઈ આઇયા (મોટી વિરાણી-હાલે ભુજ), ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા અને ગુલાબભાઇ ગજ્જર સાથે આર્ષ અધ્યયન કેન્દ્રના સાધકો, વિવિધ સમિતિઓ અને સ્વયંસેવકો સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

Panchang

dd