• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

જનરલ સર્જરી કેમ્પમાં બાવન ઓપરેશન કરાયાં

ભોજાય, (તા. માંડવી), તા. 7 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ આયોજિત 35મા નવનીત મેગા મેડિકલ કેમ્પના પાંચમા ચરણમાં જનરલ સર્જરી કેમ્પ સંપન્ન થયો હતો. લક્ષ્મીચંદ જેઠુભાઇ કારાણી (ડુમરા) જનકલ્યાણ અભિયાન હેઠળ નખત્રાણા, નલિયા અને અન્ય કેન્દ્રો પર ડો. નવીન ગડા (ભોજાય) અને ડો. રમેશ દેઢિયા (નાની ખાખર)એ 68 દર્દીની તપાસ કરી હતી જે પૈકી 19 દર્દીને ભોજાય સારવાર  માટે મોકલવામાં આવ્યા હતા. માતા પુષ્પાબેન વિનુભાઈ વળિયા જનરલ સર્જરી વિભાગના ઉપક્રમે એપેન્ડીક્સ, સારણગાંઠ, વધરાવળ, છાતીની ગાંઠ, રસોળી, હરસ, ભગંદર ઇત્યાદિ બીમારીથી પીડાતા 88 દર્દીની ભોજાય હોસ્પિટલમાં તપાસ થઇ હતી. જે પૈકી 52 (બાવન) દર્દીને ઓપરેશન માટે માતા પાનબાઇ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગામ કોટડી-મહાદેવપુરીના બે વર્ષનાં બાળ દર્દી પ્રદીપસિંહ સોઢા (ઉ.વ. 2) સારણગાંઠનાં ઓપરેશન માટે અને ગામ ડુમરાના ખતીજાબાનુ થાયરોઇડની મોટી ગાંઠ માટેની સર્જરીના હતા. જનરલ સર્જન ડો. અમૂલ સાડીવાલા અને એમના પુત્ર ડો. ચિરાગ સાડીવાલાએ ઓપરેશનો સફળતાથી પાર પાડયા હતા. મુંબઇના એનેસ્થેટિસ્ટ ડો. વૈભવ કામથ સહયોગી રહ્યા હતા. ટ્રસ્ટીઓ ગુલાબ પાસડ અને નરેન્દ્ર ગડાએ માર્ગદર્શન આપ્યું હતું. ઓપરેશનમાં હરેશ મારવાડા, સાગર મહેશ્વરી, સંજય બડગા, દીપક મોખા, નર્મદા માતંગ, સુનીતા બડગા, રીંકુ ચેટરજી, સંગીતા જાદવ અને રેશ્મા મોરેએ સેવા આપી હતી. વોર્ડની તથા અન્ય વ્યવસ્થા હરીશ ગોસર, તરલા ગોસર, ભાવના મારવાડાએ સંભાળી હતી. કરશન, મુરજી, નવીન અને મેઘબાઇ, પ્રકાશ સોની, ભરત ગાલા, દીપક ચૌધરી સહયોગી રહ્યા હતા. ગામ ડુમરાના માતા હીરાબેન લક્ષ્મીચંદ કારાણી પરિવારે જનરલ સર્જરી શિબિર સ્પોન્સર કરી હોવાનું યાદીમાં જણાવાયું હતું. સંચાલન નવીન મારવાડાએ કર્યું હતું.

Panchang

dd