પણજી, તા. 7 : ગોવાના
અરપોરા વિસ્તારમાં શનિવારની મોડીરાત્રે એક અરેરાટીજનક બનાવમાં બર્ચ બાય રોમિયો લેન
નાઇટ કલબમાં સિલિન્ડર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં કમસેકમ 25 લોકોનાં
મોત થઇ ગયાં હતાં. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 સ્ટાફ સભ્યો સામેલ છે. ધડાકાથી
ભારે અફરાતફરી સાથે ભાગદોડ મચી ગઇ હતી. આ ભારે કરુણ દુર્ઘટનાની તપાસનો આદેશ આપતાં
અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરાશે,
તેવું મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે
રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસ તથા આપે ભાજપ સરકાર સામે નિશાન તાક્યું છે.
કોંગ્રેસે નૈતિક અને રાજકીય આધાર પર
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના રાજીનામાંની માંગ કરી હતી. ગોવા પોલીસે કલબ મેનેજરની
ધરપકડ કરી લીધી હતી અને માલિક સામે પણ ધરપકડ વોરંટ જારી કરી તલાશ આદરી હતી. રાત્રે
12 વાગ્યે થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે, આગ થોડીક મિનિટોમાં જ
આખી કલબમાં ફેલાઇ ગઇ હતી. ભારે કવાયત બાદ કાબૂ મેળવી શકાયો હતો. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારોને બે-બે લાખ અને
ઘાયલોને 50-50 હજારની સહાય આપવાનું એલાન કર્યું હતું.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,
નાટઇ કલબમાં ફાયર સેફટી (આગ સામે સુરક્ષા)ના નિયમોનું પાલન ન કરાયું
હોવાનાં કારણે ધડાકો અને આગની જીવલેણ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતાં જ
મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબો સ્થળ પર દોડી ગયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણ લોકોનાં મોત આગમાં સળગી
જવાથી અને બાકીના મૃતકોએ શ્વાસ ગૂંગળાઇ જવાથી જીવ ખોયો હતો. દુર્ઘટનાની તપાસ પૂરી
થયા પછી દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે તેવું મુખ્યમંત્રી સાવંતે
જણાવ્યું હતું. વીકેન્ડ પાર્ટીમાં કલબમાં લગભગ 100 લોકો
ડાન્સ કરી રહ્યા હતા ત્યારે આ સિલિન્ડર ધડાકો થયો હતો. આગ લાગી ત્યારે મૂળ કજાકિસ્તાનની
વ્યાવસાયિક ડાન્સર ક્રિસ્ટીના `શોલે' ફિલ્મના મહેબૂબા ઓ
મહેબૂબા ગીત પર બેલી ડાન્સ કરી રહી હતી, આગની જ્વાળાઓ જોઈને
લોકો ગભરાઈ ગયા હતા. આ ભીષણ દુર્ઘટના નજરે જોનાર કેટલાક લોકોએ નામ જોહેર નહીં
કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે, નાઈટ કલબ મેનેજમેન્ટના સ્ટાફે
આગ લાગવાથી પહેલાં ફટાકડા ફોડયા હતા, જેના કારણે આગ લાગી
હતી. સૌથી પહેલાં ગ્રાઉન્ડ ફલોર પરના રસોડામાં આગ લાગી હતી. ભાગવાના પ્રયાસ કરતાં
બે લોકોનાં મોત સીડીઓ પર થયા હતા. બહાર નીકળવાનો માર્ગ ભારે સાંકડો હોવાથી લોકો
ફસાઈ ગયા હતા. આગ ફટાકડા ફોડવાથી લાગી છે,
સિલિન્ડર ધડાકાથી નહીં તેવા કેટલાક લોકોના દાવા વચ્ચે સાચું કારણ
જાણવા તપાસ આદરાઈ હતી. ગોવા કોંગ્રેસ અધ્યક્ષ અમિત પાટકરે કહ્યું હતું કે, રાજ્યપાલ તરત જ સાવંત સરકાર બરખાસ્ત કરવા રાષ્ટ્રપતિને અનુરોધ કરે તેવી
અમારી માંગ છે.