નવી દિલ્હી, તા. 12 : દેશના ઘણા રાજ્યોમાં
`સર'
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા મતદારોની નોંધણી માટેના નિયમોમાં મોટો
ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવતાં ફોર્મ-6માં આ મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. હવેથી નવા
મતદારોએ વોટર લિસ્ટમાં પોતાનું નામ ઉમેરાવતી વખતે એ સ્પષ્ટ કરવું પડશે કે, પાછલા `સર'
દરમિયાન તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ મતદારયાદીમાં નોંધાયેલું
હતું કે નહીં. આ નવા નિયમને કારણે એવા પરિવારો સામે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે,
જેમનાં નામ યાદીમાંથી ગાયબ થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, દેશના 10 રાજ્યોમાં હાથ ધરવામાં
આવેલી `સર'
પ્રક્રિયા બાદ અંદાજે 5.58 કરોડ
લોકોનાં નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. જો કે, ચૂંટણીપંચ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ
કરવામાં આવ્યું નથી કે, જો કોઈ અરજદારના માતા-પિતા કે દાદા-દાદીનું
નામ યાદીમાં ન હોય, તો તેનાં બાળકો કે પૌત્ર-પૌત્રીઓને નવી મતદારયાદીમાં
સામેલ કરવામાં આવશે કે નહીં. ચૂંટણીપંચના ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ ડિકલેરેશન ફોર્મ-6માં ખાસ કરીને `જે' અને `કે'
સેક્શન જોડવામાં આવ્યા છે. આ સેક્શનમાં અરજદારો પાસે તેમના માતા-પિતા
અથવા દાદા-દાદીની વિગતો માગવામાં આવી છે, જેમાં ત્રણ વિકલ્પો
આપવામાં આવ્યા છે. તમારું નામ અગાઉના `સર'માં સામેલ હતું, તો આ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. જો તમારું નામ નહોતું, પરંતુ તમારા માતા-પિતા કે દાદા-દાદીનું નામ અગાઉની યાદીમાં હતું, તો આ ઓપ્શન સિલેક્ટ કરવો. જો પાછલી યાદીમાં તમારું કે તમારા પરિવારના કોઈ સભ્ય
(માતા-પિતા કે દાદા-દાદી)નું નામ નહોતું, તો આ ત્રીજો ઓપ્શન પસંદ
કરવાનો રહેશે. આ ઓપ્શન પસંદ કર્યા પછી આગળ કોઈ વધારાની વિગતો આપવાની રહેતી નથી. આ સુવિધા
હાલમાં માત્ર એવા રાજ્યોના ઓનલાઇન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે, જ્યાં
વર્ષ 2025-26 દરમિયાન સર કરવામાં આવ્યું છે. બિહાર અને આસામ જેવા
રાજ્યોને આમાંથી અલગ રાખવામાં આવ્યા છે.