• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

છાત્રાઓ માટે વોશરૂમ, નહીં તો શાળાની માન્યતા રદ

નવી દિલ્હી, તા. 30 : એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશની તમામ ખાનગી અને સરકારી શાળાઓને નિર્દેશ આપ્યો હતો કે, છાત્રાઓને મફતમાં સેનેટરી પેડ આપવા ફરજિયાત છે. સાથોસાથ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ-અલગ વોશરૂમ બનાવવાના રહેશે, જે શાળા તેમ નહીં કરે તેની માન્યતા રદ કરી દેવાશે, તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી. એ સિવાય દરેક શાળાઓમાં દિવ્યાંગો માટે અનુકૂળ શૌચાલય બનાવવાનો નિર્દેશ પણ કોર્ટે બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો હતો. માસિક ધર્મ દરમ્યાન સન્માનજનક સુવિધા મળવી એ બંધારણની કલમ 21નો ભાગ છે, તેવું અદાલતે જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું હતું કે, શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય નથી, તો તે સમાનતાનો અધિકાર આપતી બંધારણની કલમ 19નો ભંગ છે. આ આદેશ માત્ર કાનૂની વ્યવસ્થા સાથે જાડાયેલા લોકો માટે નથી, એ વર્ગખંડો માટે પણ છે, જ્યાં છાત્રાઓ મદદ માગતાં ખચકાટ અનુભવે છે. આ આદેશ એવા શિક્ષકો માટે પણ છે જેઓ મદદ તો કરવા માગે છે, પરંતુ સંસાધનોના અભાવનાં કારણે તેમના હાથ બંધાયેલા છે, તેવું સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું. મહત્ત્વની ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ આદેશ એ માતા-પિતા માટે પણ છે, જે કદાચ એ નથી સમજી શકતા કે તેમની ચુપકીદીની શું અસર પડી શકે છે. અમે એવી દરેક છાત્રા સુધી એવો સંદેશ પહોંચાડવા માગીએ છીએ, જે શાળામાં ગેરહાજરીનો શિકાર બની છે. કારણ કે, તેના શરીરને બોજના રૂપમાં જોવાયું. હકીકતમાં તેની કોઇ ભૂલ નથી, તેવી સંવેદનાભરી ટિપ્પણી સુપ્રીમે કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, શાળામાં વિનામૂલ્યે સેનેટરી પેડની સુવિધા નહીં હોવાથી છાત્રાઓના અભ્યાસને પણ અસર થાય છે.

Panchang

dd