અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં લાંબી
અટકળો બાદ સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થઇ છે. રાજ્ય ચૂંટણી પંચે (1) જૂનાગઢ મ્યુનિસિપલના
15 વોર્ડની 60 બેઠકો માટે સામાન્ય ચૂંટણી (2) 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો
માટેની સામાન્ય અને 2નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્રી ચૂંટણી
(3) કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ
2 નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી
પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા
તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરી છે. આ
ચૂંટણીઓ ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) દ્વારા જ યોજાશે. આમ, એકંદરે રાજ્યની 170
જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 696 વોર્ડની 2178 બેઠકો માટે કુલ 4390 મતદાન મથકો
ઉપર આ સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણીઓ 16મી ફેબ્રુઆરી, 2025ના રવિવારે સવારના
7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત-ગણતરી હાથ
ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થશે. રાજ્ય ચૂંટણી પંચે ખેડા અને બનાસકાંઠા
એમ 2 જિલ્લા પંચાયતો ઉપરાંત 4796 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી નથી.
જ્યાં અત્યારે નવા સિમાંકન અને અનામત બેઠકોની પ્રક્રિયાનો સર્વે ચાલુ હોવાથી ત્યાં
વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયા બાદ લગભગ એપ્રિલ કે મે માસ દરમ્યાન યોજાય એવી શક્યતા
છે. ગત જાન્યુઆરી-2018માં 75 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી અર્થાત અહીં જાન્યુઆરી-2023
સુધી સામાન્ય ચૂંટણીઓ યોજવાની થતી હતી પરંતુ જે તે કારણોસર આ ચૂંટણીઓ સમયસર ન યોજાતા
આ નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારોને શાસન માટે નિમ્યાં હતા અર્થાત આ નગરપાલિકાઓમાં
સામાન્ય ચૂંટણીઓ યોજવામાં લગભગ 2 વર્ષ જેટલો વિલંબ થયો છે. એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની
સામાન્ય ચૂંટણી પણ ગત 23મી, જુલાઈ-2019ના રોજ યોજાઈ હતી અને અહીં પણ જુલાઈ-2024 અગાઉ
સામાન્ય ચૂંટણીઓ યોજવાની થતી હતી પરંતુ આ મહાનગરપાલિકામાં પણ જે તે કારણોસર સામાન્ય
ચૂંટણીઓ યોજી શકાઈ ન હતી. જે હવે, 16મી, ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરી છે. સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓની જાહેરાતની સાથે જ અર્થાત 21મી, જાન્યુઆરી-2025ના
રોજથી જ આ ચૂંટણીગ્રસ્ત વિસ્તારોમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટેની ચૂંટણી આચાર
સંહિતાનો અમલ શરુ થઈ ચૂક્યો છે. આ વિસ્તારોમાં કોઈપણ સરકારી, પાલિકા કે પંચાયતોના અધિકારીઓ-કર્મચારીઓની
બદલી નહીં કરી શકાય તે તેને ચૂંટણી અધિકારીની મંજૂરી વિના રજા પણ મળી નહીં શકે.