• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

સફળ થવા દુનિયાને સારી જગ્યા બનાવો : અદાણી

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સફળતા હાંસલ કરવાના અમૂલ્ય મંત્રો આપ્યા છે. સોમવારે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, સફળતા ત્યારે જ મળે છે, જ્યારે તમે આખી દુનિયાને વધુ સારી જગ્યા બનાવો છો. સફળતાની સાથે તમારે એક સારી દુનિયા માટે પણ કામ કરવું જોઈએ. આપણી દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. મારું માનવું છે કે, શિક્ષકો તમને ફક્ત પરીક્ષા માટે જ તૈયાર કરતા નથી, પરંતુ તેઓ તમને જીવન માટે પણ તૈયાર કરે છે. ગૌતમ અદાણીએ કહ્યું કે જ્યારે મેં મારી સફર શરૂ કરી ત્યારે મારી પાસે કોઈ રોડમેપ, સંસાધનો કે કનેક્શન્સ નહોતા. મારી પાસે માત્ર મારા સપનાં જ હતાં. કેટલાક અર્થપૂર્ણ કાર્યો કરવાનાં સપનાં. કંઈક એવું જે મારો આત્મવિશ્વાસ વધારે છે. પેરેન્ટિંગ વિશે બાલતાં તેમણે જણાવ્યુ હતું કે, વાલીપણાનો અર્થ ફક્ત તમારા બાળકના ભવિષ્યને ઘડવાનો નથી, પરંતુ તેમને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપવાનો છે. બાળકો ફક્ત તેમના માતા-પિતાની મિલકતનો જ નહીં, પરંતુ મૂલ્યોનો વારસો પણ મેળવતા હોય છે. તેમને બીજાઓની સેવા કરવાનું શીખવો. તેમને હંમેશાં નવીન કરવા, નવીનતા લાવવા અને ઊંચા સ્વપ્ન જોવા માટે પ્રોત્સાહિત કરો. તેમણે શિક્ષકોને સલાહ આપતાં કહ્યું કે, તમે `સ્વપ્ન નિર્માતા' છો. તમે જે પણ પાઠ શીખવો છો તેના દરેક પ્રેરણાદાયક શબ્દો વિદ્યાર્થીઓના જીવનને આકાર આપે છે. આજના ઝડપથી બદલાતા વિશ્વમાં તમારી ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. બાળકોના ભવિષ્ય માટે અમારી શાળા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર. આવતીકાલના ભારતનું ભવિષ્ય લખનારા આ યુવા મનને ઘડવાથી મોટી કોઈ જવાબદારી હોઈ શકે નહીં. સપના જોવાની સલાહ આપતાં ગૌતમ અદાણીએ મહત્ત્વાકાંક્ષાઓને જાત સુધી મર્યાદિત ન રાખતા તેનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. સફળતા જ્યારે બીજાઓને ઊંચા કરે છે ત્યારે તે વધુ સંતોષકારક હોય છે. હું માનું છું કે આ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે તેમ અદાણીએ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, નિષ્ફળતાઓ અને અવરોધો તમારી કસોટી કરશે, પરંતુ યાદ રાખો કે, નિષ્ફળતા સફળતાની વિરુદ્ધ નથી. તે સફળતાનો સૌથી મહત્ત્વપૂર્ણ સાથી છે. મને આશા છે કે, તમે બધા તમારા માર્ગ પર આગળ વધતાં તેમાંથી શીખશો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd