બાંગલાદેશ દ્વારા ભારતના હાઈ કમિશનરને બોલાવીને આક્ષેપ કરાયો
છે કે, ભારત દ્વારા સીમા પર પાંચ સ્થળે ફેન્સિંગ બનાવવામાં આવી રહી છે, જે ભારત સાથે
કરવામાં આવેલા દ્વિપક્ષીય કરારના ભંગ સમાન છે. હાઈ કમિશનરે જવાબ આપ્યો કે, `ઢાકા અને નવી દિલ્હી વચ્ચે સુરક્ષા માટે
સીમા પર ફેન્સિંગ બાંધવા સંમતિ સાધવામાં આવી છે અને કરાર થયા છે. અમને આશા છે કે, આ
કરારને સંમતિ સાથે લાગુ કરવામાં આવે અને સીમા પર થતા ગુના તેમજ ઘૂસણખોરીને રોકી શકાય.'
ભારત સરકારે સરહદો પર વધુ સૈનિકો ગોઠવતાં બાંગલાદેશ ભડક્યું છે. આ પહેલાં બાંગલાદેશ
બોર્ડર ગાર્ડ્સ દ્વારા કોદાલિયા નદી પર દાવો કરવામાં આવ્યો હતો. કોદાલિયા નદીના કિનારે
ફેન્સિંગ નથી, જેથી આ વિસ્તારમાં ઘૂસણખોરી અને દાણચોરીનો હંમેશાં ભય રહે છે. બોર્ડર
સિક્યુરિટી ફોર્સે આ પડકારને પહોંચી વળવા માટે અનેક ચોકીઓ બનાવી છે, જ્યાં જવાનો
24 કલાક ચાંપતી નજર રાખે છે. બાંગલાદેશમાં ભારતવિરોધી અફવાઓ ફેલાવાઈ રહી છે. ક્યારેક
બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બાંગલાદેશ ગાર્ડ્સ વચ્ચે ટકરાવ થયાની અફવા પણ ફેલાવાઈ
રહી છે. અફવાઓનો મકસદ ભારતને ઉશ્કેરવાનો અને સરહદને વિવાદિત ક્ષેત્રનાં રૂપમાં દાખવવાનો
છે. ભારત આ ચાલબાજી સમજે છે અને સંયમ રાખતાં સીમાની સુરક્ષા પર ભાર મૂકી રહ્યું છે.
સિક્યુંરિટી બોર્ડર ફોર્સ દરેક ઘૂસણખોરી અને દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી રહી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતની વ્યૂહરચનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આવી કોઈપણ
ચાલબાજી સફળ નહીં થાય. દરમિયાન બાંગલાદેશ પોલીસે તપાસ રિપોર્ટના આધાર પર વચગાળાની યુનુસ
સરકારને તો કહી દીધું છે કે, હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલાની મોટા ભાગની ઘટનાઓ
સાંપ્રદાયિક નહીં, પણ રાજકીય હતી, પરંતુ તે એ સ્પષ્ટ કરવાની સ્થિતિમાં નથી કે, જ્યારે
300 કેસની તપાસ બાકી છે ત્યારે કોઈપણ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચી રહી છે. પ્રશ્ન
એ પણ છે કે, જો હત્યા, હિંસા, લૂંટ અને આગની ઘટનાઓ રાજનીતિ પ્રેરિત હોય તો શું તે ઓછી
ગંભીર છે? નોંધનીય છે કે, લઘુમતીઓ પર દમન અને ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરાયેલા લોકોની
સંખ્યા પણ ઘણી ઓછી છે. આ ઉપરાંત સરકારે રિપોર્ટની એ વાતને પણ માની લીધી છે કે, 150થી
વધુ કેસમાં કોઈ પુરાવા નથી મળ્યા. બાંગલાદેશની વચગાળાની સરકારનું એ કહેવું આંખમાં ધૂળફેંક
જેવું છે કે, હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓ રાજકીય વધુ હતી. આમ, કહીને
બાંગલાદેશ સરકાર ફક્ત ભારત જ નહીં, આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
કરે છે.