અમેરિકાની કુખ્યાત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે આખરે કારોબાર
સમેટી લીધો છે. `દુકાન' બંધ
કરી છે એમ કહી શકાય! સંસ્થાપક નેટ એન્ડરસને આ નિર્ણયની પાછળ વ્યસ્તતાનું કારણ આપ્યું
છે, પણ જ્યોર્જ સોરોસની સાથે હિંડનબર્ગના કહેવાતા સંબંધો અને આગામી ટ્રમ્પ સરકારનું
મુખ્ય કારણ જણાય છે. અમેરિકાના ભાવિ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીવેળા એન્ડરસન
અને સોરોસે તેમની વિરુદ્ધ પડદા પાછળથી પ્રચાર કર્યો હતો. ઉપરાંત ટ્રમ્પ અને મોદીના
મૈત્રી સંબંધથી આખી દુનિયા વાકેફ છે. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાનાં પ્રમુખપદે
બિરાજમાન થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ટ્રમ્પ આવ્યા પછી પોતાનું ભવિષ્ય શું
હશે તેની એન્ડરસનને પૂરેપૂરી જાણ હોવી જોઈએ અને એટલે જ ટ્રમ્પ સત્તા ઉપર આવે તે પહેલાં
બોરિયા-બિસ્તરાં સંકેલી લીધાં છે ! અમેરિકાના વિદાય લેતા પ્રેસિડન્ટ જો બાયડનના શાસનકાળ
દરમિયાન હિંડનબર્ગે ભારતનાં અર્થતંત્રની કમર તોડી નાખવા તનતોડ પ્રયાસ કર્યા હતા, તેમાં
સફળતા મળી નહીં. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી તથા ભારતીય માર્કેટ નિયમનકાર સિક્યુરિટિઝ
એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા - સેબીનાં વડાં માધવી બુચને નિશાન બનાવી ચર્ચા જગાવી
હતી. 2022 અને 2024માં તેમણે અદાણી જૂથ વિરુદ્ધ જુઠ્ઠાણાં ચલાવ્યાં હતાં. હિંડનબર્ગના
અદાણી જૂથ સામેના આક્ષેપોનાં કારણે ગ્રુપની કંપનીઓના શેરના ભાવનું ભારે ધોવાણ થયું
હતું. હિંડનબર્ગના આ આક્ષેપોને પગલે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ
સંસદમાં ભારે ગોકીરો મચાવ્યો હતો. પ્રકરણ કોર્ટમાં ગયું ત્યારે હિંડનબર્ગે અદાણી જૂથ
વિરુદ્ધ કરેલા કોઈ આક્ષેપોના પુરાવા આપવાને બદલે ફક્ત અહેવાલ જ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ
ભારતીય અર્થતંત્રને અસ્થિર કરવા માટે એક પ્રેરિત, પ્રાયોજિત, સુનિયોજિત અને લક્ષિત
હુમલો હતો. આર્થિક અરાજકતા અને આર્થિક આતંકવાદની કાર્યવાહી જ હતી. હિંડનબર્ગ સાથે વિરોધપક્ષોના
શું સંબંધ છે અને રિપોર્ટ સોરોસ દ્વારા પ્રાયોજિત હતો કે નહીં તેનો ખુલાસો થવો જોઇતો
હતો એવો શાસકપક્ષનો મત છે. હિંડનબર્ગના અહેવાલને વિરોધ પક્ષોએ ખૂબ ચગાવ્યો. કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધી ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર વાર કરવામાં ગૌતમ અદાણીનું
નામ ઉછાળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી પણ એ જ
રસ્તે છે. મતદારોએ ઉપરા ઉપરી ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્ત કરી હોવા છતાં રાહુલ ગાંધી
સમજી નથી શક્યા કે, મતદારો અને દેશની જનતા બુદ્ધિશાળી છે. જો કે, કોંગ્રેસ અને તેની
ઈકોસિસ્ટમ રાષ્ટ્રવિરોધી પરિબળો સાથે સંકળાયેલી હોવાનાયે આક્ષેપ થયા છે, એનું શું
? હિંડનબર્ગ અને તેના પ્રાયોજકોએ ભારતીય શેરબજારને નિશાન બનાવ્યું, જેમાં નાના રોકાણકારોની
ભારે ભાગીદારી હોય છે. નાના રોકાણકારોને જબ્બર
આર્થિક નુકસાન વેઠવું પડયું એ માટે જવાબદાર
કોણ ? સોરોસે તો ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીના વિરોધી છે, એટલે અદાણીને
હિન્ડનબર્ગ રિપોર્ટના આધારે નુકસાન પહોંચાડયું. ટૂંકમાં જુઠ્ઠાણાંના આધારે આ બધું ચાલ્યું
ને તેનો પર્દાફાશ થયો. અમેરિકી સાંસદ તથા ન્યાય સમિતિના સભ્ય રિપલાંસ ગુડેને ત્યાં
સુધી કહ્યું કે, હિંડનબર્ગના દસ્તાવેજ જપ્ત કરીને તેની તપાસ થવી જોઇએ, જેથી સત્ય હકીકતો
બહાર આવી શકે.