• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

રોકાણકારોને રૂા. 7.52 લાખ કરોડનો ધુંબો

મુંબઇ, તા. 21 : ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર પદ સંભાળ્યા બાદ `વૈશ્વિક જકાત-યુદ્ધ'ની આશંકા અને વિદેશી રોકાણકારો દ્વારા નાણા ઉસેડવાનું ચાલુ રહેતાં ખૂલતા કારોબારી દિને ભાર વેચવાલીએ શેરબજારો ફરી પટકાયા હતા. મુંબઇ શેરબજારનો બેન્ચમાર્ક 1235 અંક ગબડીને સાત મહિના કરતાં વધુ સમયનાં નીચા મથાળે બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં 7.52 લાખ કરોડનું મોટું ગાબડું પડયું હતું. એનએસઇનો નિફ્ટી પણ 367.90 અંક તૂટી પડયો હતો. સોમવારે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાડોશી દેશો ઉપર જકાત નાખવાની જાહેરાત કરી હતી અને ભારત સહિતના બ્રિકસ સંગઠનના દેશોને પણ જકાત બાબતે ચેતવણી આપતાં ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1235.08 અંક (1.60 ટકા) ઘટીને 75,838.36 અંક અને નિફ્ટી 320.10 અંક (1.37 ટકા) ઘટીને 23,024.65 અંક ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ઝોમેટો, એનટીપીસી, અદાણી પોર્ટસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમ એન્ડ એમ, બજાજ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેન્કના ભાવ સૌથી વધુ ઘટયા હતા. ફક્ત અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક્નોલોજીના ભાવ વધ્યા હતા. નિફ્ટીમાં ટ્રેન્ટ, અદાણી પોર્ટસ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એમ એન્ડ એમના ભાવ સૌથી વધુ ઘટયા હતા. મંગળવારે યુરોપિયન બજારો વધવા તરફ હતી. એશિયન બજારોમાં ટોકિયો અને હોંગકોંગ વધ્યા હતા, જ્યારે શાંઘાઈ અને સિઓલ ફ્લેટ રહ્યા હતા. સોમવારે એફઆઈઆઈએ રૂા. 4336.54 કરોડના શેર વેચ્યા હતા, એમ એક્સચેંજના એક અહેવાલમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd