• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ડી.પી.એ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દેશની સંસ્કૃતિને ઉજાગર કરાશે

ગાંધીધામ, તા. 21 : સતત 16 વર્ષ સુધી દેશના મહાબંદરોમાં નંબર વન રહેલા અને આગામી સમયમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક ધરાવતા દિનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા આગામી ગણતંત્રદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે. વિકસીત ભારત, વિકસીત કંડલાના સુત્ર સાથે નવી દિલ્હીમાં થતી ઉજવણી માફક આકર્ષક ટેબ્લો, સાંસ્કૃતિક  કાર્યક્રમો સહિતનું વ્યાપક સ્તરે આયોજન  કરાયું છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.પોર્ટ કોલોની ગોપાલપુરી સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પ્રજાસત્તાક દિનની  ભવ્યતા અને દેશભક્તિ સાથે  ઉજવણી કરવા માટે પોર્ટ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ આદરવામાં  આવી છે.આ કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે  થતી ઉજવણી  માફક  ભારતની એકતા, વિવિધતા અને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર  કરવામાં આવશે. ઉજવણીના આરંભે રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવશે. સી.આઈ.એસ.એફ, ડી.પે.એ. ફાયર બ્રીગેડ અને ભારતીય વિદ્યામંદિર  કંડલાના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ રજુ કરાશે. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ  રાષ્ટ્રીય થીમ ઉપર ભવ્ય ટેબ્લો પરેડ રહેશે જે પ્રથમ વખત આયોજન કરાયું છે. આ ટેબ્લોમાં ભારતના રાજયોની જીવંત સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ દર્શાવાશે.દરેક ટેબ્લોમાં 20થી 30 કલાકાર દ્વારા તેમના પ્રદેશના વિશિષ્ટ પરંપરાગત નૃત્યો રજુ કરશે. જે રાષ્ટ્રીય ઉત્સવની શોભા વધારશે. કલાકારો અને સાંસ્કૃતિક જુથ દ્વારા ખંતપુર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમનું બીજું આકર્ષણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. કાર્યક્રમમાં પ્રતિભાશાળી કલાકારો અને તેમની ટીમ દ્વારા પ્રદર્શન પણ રજુ કરવામાં આવશે. જયતુ ભારતમ અંતર્ગત  નાટયાલય અંજારના 30થી 35 કલાકારો દ્વારા  દેશભક્તિનું પ્રદર્શન કરવામાં આવશે. ડી.પી.એ.ની સાંસ્કૃતિક  ટીમના 10થી 12 કલાકારો દ્વારા શાત્રીય પ્રદર્શન, સી.આઈ.એસ.એફ. કંડલા દ્વારા સાયલન્ટ વેપ ડ્રીલ, નાટયાલયના 30 થી 35 કલાકાર દ્વારા રામ મંદિરમ શાત્રીય પ્રદર્શન તેમજ 8 થી 10 પંજાબી કલાકારો દ્વારા બેગપાઈણ અને ઢોલનું પ્રદર્શન કરાશે.કાર્યક્રમ દરમ્યાન નિષ્ણાંતો, ખૈલૈયાઓ, ડી.પી.એ.ના કલાકારોને  પુરસ્કાર એનાયત કરાશે. પ્રજાસતાક દિનની ઉજવણીને અનોખી દેશભક્તિની ઘટના બનાવવા માટે  પોર્ટ પ્રશાસન કટીબધ્ધ છે.આ પ્રસંગને ઉત્સાહ સાથે ઉજવવા માટે સૌને ઉપસ્થિત રહેવા પોર્ટ પ્રશાસન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd