ભુજ, તા. 21 : કચ્છના પ્રખ્યાત સફેદ રણ ધોરડો ખાતે કચ્છ જિલ્લા
પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના યજમાન પદે અને પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને
મળેલી રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોની પરિષદમાં વિવિધ ઠરાવોને મંજૂરી અપાઈ
હતી, આ બેઠકમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોની જેમ હવે જિલ્લા પંચાયત પ્રમુખ પણ રૂા. એક
કરોડના વિકાસકામો સૂચવી શકશે તેવી મુખ્યમંત્રી દ્વારા અપાયેલી ખાતરી બદલ આભાર પ્રસ્તાવને
પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. ધોરડોના સફેદ રણ ખાતે 20 અને 21મી જાન્યુઆરી દરમ્યાન
બે દિવસીય રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદનું આયોજન કરાયું હતું જેમાં
25 જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા. પ્રારંભે આવેલા તમામ પ્રમુખનું કચ્છી શાલ
અને મોમેન્ટોથી સન્માન કરાયું હતું તો કચ્છ જિલ્લા પંચાયતના યજમાન પદે યોજાયેલી આ બેઠકના
આયોજન બદલ તમામ પ્રમુખે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખનો તેમજ અન્ય જિલ્લાના પ્રમુખોએ કચ્છના
પ્રમુખનો આભાર માન્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીને પરિષદના પ્રમુખ તેમજ તમામ જિલ્લા
પંચાયતના પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ પ્રથમ વખત તમામ જિલ્લા પંચાયત પ્રમુખોને
વિવિધ વિકાસકામો માટે એક કરોડના કામો સૂચવવા માટે સત્તા આપવા બજેટમાં કરાયેલી જોગવાઈ
બાદ આ અંગેની ચાલતી પ્રક્રિયા બદલ તેમજ દર મંગળવારે પ્રમુખો માટે મુખ્યમંત્રીએ ફાળવેલા
સમય બદલ આભાર પ્રસ્તાવને બહાલી અપાઈ હતી.તો પરિષદની ગત બેઠકમાં લેવાયેલા વિવિધ નિર્ણયોને
પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આ ઉપરાંત પંચાયત પરિષદની આ બેઠકમાં રશિયાની સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ પોલિસી સંસ્થા
સાથે થયેલી સમજૂતી મુજબ આ સંસ્થાના ગુજરાતના મુખ્ય હેડ મિ. એલેકઝાન્ડર અને તેમના પત્ની
એલિના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થા સાથે અગાઉ પરિષદની થયેલી સમજૂતી મુજબ કચ્છ-ગુજરાતના
પ્રવાસનના વિકાસ તેમજ રશિયા-ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની સાથેસાથે સામાજિક,
સાંસ્કૃતિક વારસા, રમતગમત, યુવા-મહિલા મંચ, પ્રવાસન ઉદ્યોગો, કૃષિ અને પશુપાલન, શિક્ષણ,
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સહિતના ગ્રામ્ય સંસ્કૃતિના આદાન-પ્રદાનના પરામર્શ માટે ધોરડો ખાતે આવ્યા હતા. આ બેઠકમાં પરિષદના ઉપાધ્યક્ષો
હસમુખભાઈ પટેલ (પ્રમુખ-આણંદ) અને શિલ્પાબેન પટેલ (પ્રમુખ-ગાંધીનગર), માનદમંત્રીઓ હંસાબેન
પારેગી (પ્રમુખ-મોરબી) તથા ભરતભાઈ ગાજીપરિયા સહિતના હોદેદારો, પ્રમુખો તેમજ સ્થાનિક
જિલ્લા પંચાયતના સભ્યો વગેરે હાજર રહ્યા હતા.